તા.29/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


ઈ.એમ.ટી. છોટુભાઈ અને પાયલોટ ધર્મરાજસિંહની સમયસૂચકતાથી માતા અને નવજાત બાળક બંને સ્વસ્થ, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના ઘનશ્યામગઢ ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા શ્રમિક પરિવાર માટે 108 એમ્બ્યુલન્સ ખરા અર્થમાં ‘દેવદૂત’ સાબિત થઈ છે. રાત્રિના સમયે પ્રસૂતિની અચાનક ઉપડેલી પીડા વચ્ચે હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં તબિયત બગડતાં 108ના કર્મચારીઓની સતર્કતા અને કુશળતાથી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ગોધરા અને છોટાઉદેપુર પંથકમાંથી ધ્રાંગધ્રાના પિયત વિસ્તારમાં આવીને કઠોર પરિશ્રમ કરતા અજયભાઈ નાયક અને તેમના પત્ની સુરેખાબેન નાયક ઘનશ્યામગઢ ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહે છે. ગત રાત્રે આશરે બે વાગ્યાના સુમારે સુરેખાબેનને અચાનક જ પ્રસૂતિની ગંભીર પીડા ઉપડતાં પરિવાર ચિંતામાં મૂકાઈ ગયો હતો. પરિવારે તાત્કાલિક કટોકટી સેવા આપતી ‘108’ એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાની સાથે જ ધ્રાંગધ્રા 108 એમ્બ્યુલન્સના પાયલોટ ધર્મરાજસિંહ અને ઈ.એમ.ટી. છોટુભાઈ ભારે જહેમત અને તાકીદ સાથે ઘનશ્યામગઢના વાડી વિસ્તારમાં પહોંચી ગયા હતા. તેઓ સુરેખાબેનને લઈને તાત્કાલિક સરકારી હોસ્પિટલ તરફ જવા નીકળ્યા હતા. જોકે, રસ્તામાં જ સગર્ભા સુરેખાબેનની તબિયત વધુ નાજુક બનતા અને પ્રસૂતિનો સમય નજીક આવતા 108ની ટીમે પળનો પણ વિલંબ કર્યા વગર સમજદારી વાપરી એમ્બ્યુલન્સ રસ્તામાં જ સુરક્ષિત જગ્યાએ રોકી દીધી હતી. ઈ.એમ.ટી. છોટુભાઈ દ્વારા એમ્બ્યુલન્સની અંદર જ કુશળતાપૂર્વક પ્રસૂતિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સુરેખાબેને એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ બાદ 108ની ટીમ દ્વારા માતા અને નવજાત શિશુને વધુ સારવાર માટે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને નવજાત બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કટોકટીના સમયે સમયસર મદદે આવીને જીવ બચાવનાર 108ની સમગ્ર ટીમ પ્રત્યે શ્રમિક પરિવાર અને ગ્રામજનોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.









