તા.29/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


25% વરસાદની ઘટ અને સૌની યોજના બંધ થયા બાદ રિપેરિંગના બહાને કેનાલો ઠપ્પ કરાતા ઘઉં, જીરું અને વરિયાળીનું વાવેતર અટક્યું; ખેડૂતોની તાત્કાલિક પાણી છોડવા માંગ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં શિયાળુ પાકની સીઝન બરાબર જામી રહી છે ત્યારે નર્મદા વિભાગ દ્વારા એકસાથે ૯ જેટલી માઇનોર કેનાલોનું પાણી અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી અને રોષ ભભૂકી ઉઠ્યો છે. અત્યારે વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાક જેવા કે ઘઉં, વરિયાળી અને જીરુંનું વાવેતર પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ બરાબર વાવેતરના જ સમયે બાકરથડી, કરણગઢ, બાળા, કોઠારીયા, કટોળા (કટુડા) અને રાય (રાઇ) સહિતની ૯ જેટલી માઇનોર કેનાલો બંધ કરી દેવામાં આવતા ખેડૂતોનું વાવેતર અટકી પડ્યું છે અને બિયારણ બળી જવાની ચિંતા વધી ગઈ છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મોસમનો આશરે ૨૫% જેટલો વરસાદ ઓછો નોંધાયો છે. એક તરફ વરસાદની ઘટ વચ્ચે ‘સૌની યોજના’નું પાણી બંધ કરી દેવાયું છે, ત્યારે બીજી તરફ વઢવાણ તાલુકાની માઇનોર કેનાલો પણ બંધ કરી દેવાતા સિંચાઈના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કેનાલો બંધ થતાં જ રોષે ભરાયેલા ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરી હતી. નર્મદા વિભાગના અધિકારીઓએ એવું બહાનું રજૂ કર્યું છે કે હાલમાં કેનાલોમાં જરૂરી રિપેરિંગ કામગીરી ચાલી રહી હોવાના કારણે પાણી બંધ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં રિપેરિંગ પૂરું કરીને કેનાલ પુનઃ ચાલુ કરવાની હૈયાધારણા આપી છે. જોકે, ખેડૂતોનો આક્ષેપ છે કે શિયાળુ વાવેતર ટાણે જ રિપેરિંગ હાથ ધરવું એ તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. વાવેતરના સમયે પાણી ન મળે તો બિયારણ અને ખાતરનો મોટો ખર્ચ એળે જાય તેમ છે. આથી ખેડૂતોએ ઉગ્ર માંગ કરી છે કે રિપેરિંગ કામગીરી ઝડપથી પૂર્ણ કરી તાત્કાલિક ધોરણે કેનાલોમાં પાણી છોડવામાં આવે.









