વિજાપુરમાં ફૂલના વેપારની હરીફાઈમાં બે વેપારીઓ વચ્ચે મારામારી
નવી દુકાન શરૂ કરવાથી ગ્રાહકી ઘટી હોવાના મનદુઃખમાં માર માર્યાનો આક્ષેપ, ગુલાબનાં ફૂલના પાર્સલ મુદ્દે પણ સામસામી ફરિયાદ

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર : વિજાપુર શહેરમાં ફૂલના વેપારને લઈને બે વેપારીઓ વચ્ચે થયેલી તકરારે મારામારી અને પોલીસ ફરિયાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. નવી દુકાન શરૂ કરવાથી ગ્રાહકી ઘટી હોવાના મનદુઃખમાં માર મારવાની ઘટના બની હોવાનો આક્ષેપ એક વેપારીએ કર્યો છે, જ્યારે ગુલાબનાં ફૂલના પાર્સલની બાબતે બીજા વેપારીએ પણ સામસામી ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, વિજાપુરના રાઘવ ગેસ ગોડાઉન સામે આવેલી ગુરુકૃપા ફૂલહાર નામની દુકાનના સંચાલક ભાવિકકુમાર રામીના પોતાની દુકાને ફૂલનો વેપાર કરી રહ્યા હતા. તે દરમિયાન જય અંબે ફૂલહારના સંચાલક રોહિતભાઈ રામી અને જીજ્ઞેશભાઈ રામી ત્યાં આવ્યા હતા. બંનેએ ગાળાગાળી કરી લાફા તથા ગડદાપાટુનો માર માર્યો હોવાનો અને ધમકીઓ આપી મારામારી કરતા આસપાસના વેપારીઓએ વચ્ચે પડી તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા સામે પક્ષે તેમણે નવી દુકાન શરૂ કરતાં સામેના વેપારીની ગ્રાહકી ઘટી હતી, જેના મનદુઃખને કારણે અગાઉથી વિવાદ ચાલી રહ્યો હતો.જેનુ મનદુઃખ રાખી ઝઘડો કર્યો હતો. તો બીજી તરફ, જય અંબે ફૂલહારના સંચાલક રોહિતકુમાર રામીની ફરિયાદ મુજબ, તેમણે કરજણ ખાતેની આયુષ ફ્લાવર દુકાનમાંથી ગુલાબનાં ફૂલોનો ઓર્ડર આપ્યો હતો. રઘુવીર ટ્રાવેલ્સ મારફતે આવેલા છ પાર્સલમાંથી એક પાર્સલ ભૂલથી ગુરુકૃપા ફૂલહારના સંચાલક ભાવિકકુમાર પાસે પહોંચી ગયું હતું. આ પાર્સલ લેવા જતાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાવિકકુમારે તેમને તથા તેમના ભાઈ જયદીપભાઈને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
આમ, ફૂલના વેપારની હરીફાઈ અને ગુલાબનાં ફૂલના પાર્સલના વિવાદને લઈને બંને વેપારીઓ વચ્ચે સામસામી ફરિયાદો નોંધાઈ છે. વિજાપુર પોલીસ સ્ટેશનમાં બંને ફરિયાદોના આધારે ગુના નોંધી વધુ તપાસ એએસઆઈ પ્રવીણભાઈ બાબુભાઈ ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી છે.










