વેરાવળની મહિલા દ્વારા ચલાવાતો જુગારનો મોટો અખાડો ઝડપાયો: રોકડા રૂ. ૪.૧૬ લાખ અને ૬ મોબાઈલ કબજે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ: જૂનાગઢ શહેરના ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા સક્કરબાગની સામે એક વાડીના મકાનમાં ધમધમતા મોટા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે ત્રાટકીને ૪ મહિલા અને ૪ પુરુષ સહિત કુલ ૮ જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૪,૧૬,૩૦૦/- તેમજ ૬ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૫,૫૬,૩૦૦/- નો મુદ્દામાલ કબજે કરી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવ્યો છે.
ઘટનાની વિગત મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ચેતરીયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પીએસઆઈ ડી.કે. પટેલ તેમજ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ વાળા, પ્રતિક ઠાકર, આઝાદસિંહ સિસોદીયા અને ઇન્દ્રજીતસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, સક્કરબાગ સામે આવેલી વાડીની ઓરડીમાં વેરાવળની ચાંદનીબેન હર્ષ પટેલીયા નામની મહિલા બહારથી માણસો બોલાવી, તીનપત્તીનો જુગાર રમાડી, નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.
બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડતાં તીનપત્તીનો જુગાર રમતા ૮ સ્ત્રી-પુરુષો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી જુગાર પ્રતિબંધક કાયદાની કલમ ૪ અને ૫ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.






