વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ભારત આદિવાસી સંવિધાન સેના’ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી..
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા વિવાદાસ્પદ પરિપત્ર ક્રમાંક ED/0153/10/2026 (તારીખ ૨૧-૧૦-૨૦૨૬) સામે ડાંગ જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી શાળાઓમાં સામાન્ય વાલીઓ, સ્થાનિક આગેવાનો તેમજ જાગૃત નાગરિકોના પ્રવેશ પર અંકુશ લગાવતા આ પરિપત્રના વિરોધમાં ‘ભારત આદિવાસી સંવિધાન સેના’ (ડાંગ જિલ્લો), વાલી મંડળ તથા સ્થાનિક નાગરિકો દ્વારા સુબીર મામલતદારને આવેદનપત્ર પાઠવી આ પરિપત્રને તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ આવેદનપત્ર સુબીર તાલુકા સેવા સદન ખાતે ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેનાના ઉપપ્રમુખ સતિષભાઈ એફ. ગાયકવાડ તેમજ મહિલા મોરચાના પ્રમુખ રેખાબેન કૌશિકભાઈ પવારની ખાસ ઉપસ્થિતિ અને આગેવાની હેઠળ સુપરત કરવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં રજૂઆત કરતા સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે, સરકારી અને અનુદાનિત શાળાઓમાં મોટાભાગે ગરીબ, સામાન્ય અને આદિવાસી પરિવારના બાળકો અભ્યાસ અર્થે આવે છે. બાળકોના શિક્ષણનું સ્તર, સુરક્ષા તેમજ મધ્યાહ્ન ભોજન જેવી પાયાની સુવિધાઓ પર સતત નજર રાખવી એ વાલીઓનો મૂળભૂત અને લોકશાહી અધિકાર છે. શાળાઓમાં પ્રવેશ પર લગાવવામાં આવેલા આવા મનસ્વી પ્રતિબંધોના કારણે શાળાઓમાં બનતી ગેરરીતિઓ, બેદરકારી કે વિદ્યાર્થીઓના શોષણ જેવા ગંભીર ગુનાઓને છુપાવવા માટે દોષિતોને રક્ષણ મળી શકે તેવી પ્રબળ આશંકા ઊભી થાય છે.સંગઠનના આગેવાનો દ્વારા રજૂ કરાયેલા મુખ્ય મુદ્દાઓ અને માંગણીઓમાં શાળાઓનું વાતાવરણ પારદર્શક હોવું જોઈએ અને વાલીઓ તથા સમિતિઓને દેખરેખના સંપૂર્ણ અધિકારો મળવા જોઈએ તેવી ભારપૂર્વક રજૂઆત કરાઈ હતી. તેમજ વિદ્યાર્થીઓની સાચી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોઈપણ ગેરવર્તણૂક કે ગુના સામે ચોવીસ કલાકની અંદર કડક કાનૂની પગલાં લેવા જોઈએ તેવી માંગ કરાઈ હતી. આ ઉપરાંત, વાલીઓ અને પત્રકારો માટે કડક નિયમો અને અમુક ચોક્કસ વિચારધારા ધરાવતા સંગઠનો માટે છૂટછાટ આપવામાં આવતી હોય તેવા બેવડા ધોરણો સંપૂર્ણપણે અસ્વીકાર્ય હોવાનું જણાવવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે, સંગઠનના ઉપપ્રમુખ સતિષભાઈ ગાયકવાડ અને મહિલા મોરચા પ્રમુખ રેખાબેન પવારે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્રને સત્વરે પાછો ખેંચવામાં કે રદ કરવામાં નહીં આવે, તો સમગ્ર ડાંગ જિલ્લા સહિત રાજ્યભરમાં શાંતિપૂર્ણ પરંતુ ઉગ્ર જનઆંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ નૈતિક અને વહીવટી જવાબદારી શાસનકર્તાઓની રહેશે. આ વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપતી વેળાએ સંગઠનના અગ્રણી કાર્યકર્તાઓ રવિન્દ્રભાઈ રડકીયાભાઈ સોડિયા, વિકાસભાઈ મોતિલાલભાઈ ગાંવિત સહિત મોટી સંખ્યામાં તાલુકાના વાલીઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.










