સેફ્ટી કિટ વગર કચરાના ઢગલા વચ્ચે જોખમી કામગીરી; મહિલા કર્મચારીઓના આરોગ્ય સામે પણ ગંભીર સવાલો, ગર્ભવતી મહિલાઓ અને માસૂમ બાળકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે?
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના દાવા કરતી જૂનાગઢ મહાનગરપાલિકાના સ્વચ્છતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ દર વર્ષે સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં શહેરમાં ઘરે-ઘરેથી કચરો એકત્ર કરવાની કામગીરી કરતા સફાઈ કર્મચારીઓની કામ કરવાની સ્થિતિ ચિંતાજનક હોવાના દૃશ્યો સામે આવ્યા છે. ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી ટીપર વાનમાં સફાઈ કર્મચારીઓ કચરાના ઢગલા વચ્ચે ઊભા રહીને હાથથી કચરાનું વર્ગીકરણ કરતા હોવાની તસવીરો સામે આવતાં મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને સંબંધિત કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે.
જેમાં સામે આવેલી તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી ટીપર વાનની અંદર એક પુરુષ સફાઈ કર્મચારી ઊભા રહીને કચરામાંથી કચરો અને અન્ય સામગ્રી અલગ કરી રહ્યો છે. અન્ય એક તસવીરમાં મહિલા સફાઈ કર્મચારી પણ કચરાથી ભરેલી ટ્રોલીની અંદર ઊભા રહીને કચરાનું વર્ગીકરણ કરતી જોવા મળે છે.
આ કામગીરી દરમિયાન કર્મચારીઓ પાસે હાથમોજાં, માસ્ક અને સુરક્ષિત ગમબૂટ જેવા પ્રાથમિક સુરક્ષા સાધનો દેખાતા નથી. કચરામાં રહેલા કાચના ટુકડા, લોખંડના તીક્ષ્ણ પદાર્થો, સડેલો ખાદ્ય કચરો, ગંદકી તથા સંભવિત જોખમી કચરાના સંપર્કમાં સીધા આવવાથી કર્મચારીઓને ઈજા, ચામડીના રોગો, શ્વસન સંબંધિત તકલીફો અને ચેપ લાગવાનું જોખમ રહે છે. તેમ છતાં આવી જોખમી પરિસ્થિતિમાં કામ કરવું પડતું હોય તો તે શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર તપાસનો વિષય છે.
તેમજ આ સમગ્ર મામલામાં વધુ ચિંતાજનક બાબત એ છે કે કચરા કલેક્શનની કામગીરીમાં મહિલા શ્રમિકો પણ જોડાયેલી છે. સામે આવેલી તસવીરમાં એક મહિલા કર્મચારી કચરાની ટ્રોલીની અંદર ઊભા રહીને કામગીરી કરતી જોવા મળે છે. મહિલાઓને આવી જોખમી પરિસ્થિતિમાં કામ કરવું પડે ત્યારે તેમની શારીરિક સુરક્ષા, આરોગ્ય અને જરૂરી સુવિધાઓ અંગે મનપા તંત્રએ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.
આ ઉપરાંત, ટીપર વાનમાં કામ કરતી કેટલીક મહિલાઓ ગર્ભવતી હોવાની રજૂઆત પણ સામે આવી છે. જો આ રજૂઆતો સાચી હોય અને ગર્ભવતી મહિલાઓને પણ કચરાના ઢગલા વચ્ચે આવી જોખમી કામગીરી કરવી પડતી હોય તો તે અત્યંત ગંભીર માનવતાનો પ્રશ્ન છે. કચરામાંથી નીકળતી દુર્ગંધ, ધૂળ, સંભવિત ચેપી પદાર્થો અને અસ્વચ્છ વાતાવરણ વચ્ચે કામ કરવાથી ગર્ભવતી મહિલાઓના આરોગ્ય તથા ગર્ભસ્થ શિશુની સલામતી અંગે ચિંતા ઊભી થાય છે.
ત્યારે આ સમગ્ર ઘટનામાં એક વધુ સંવેદનશીલ અને ચોંકાવનારો મુદ્દો એ છે કે કામ કરતી કેટલીક મહિલાઓ તેમની સાથે નાનાં બાળકોને પણ ટીપર વાનમાં લાવતી હોવાની રજૂઆતો થઈ રહી છે. જો શ્રમિક પરિવારોની આ મજબૂરી હોય તો તેની પાછળનાં કારણો શોધવાની જવાબદારી પણ મનપા અને કોન્ટ્રાક્ટરની છે.
કારણ કે કચરાથી ભરેલી ગાડી, ગંદકી, દુર્ગંધ, ધૂળ અને સંભવિત ચેપી પદાર્થોની વચ્ચે નાના બાળકોની હાજરી તેમના આરોગ્ય માટે જોખમી બની શકે છે. બીજી તરફ, ગર્ભવતી મહિલા કર્મચારીઓના ગર્ભસ્થ શિશુના આરોગ્ય અને સુરક્ષાનો પ્રશ્ન પણ એટલો જ મહત્ત્વનો છે. શહેરને સ્વચ્છ રાખવાની કામગીરીમાં જોડાયેલા શ્રમિક પરિવારોના બાળકોને આવી પરિસ્થિતિમાં રહેવાની ફરજ પડે તે અત્યંત ચિંતાજનક બાબત છે.
ત્યારે જૂનાગઢ શહેરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરી માટે જવાબદાર એજન્સી દ્વારા શ્રમિકોને નિયમ મુજબ જરૂરી સુરક્ષા સાધનો આપવામાં આવે છે કે નહીં તે અંગે તપાસ થવી જોઈએ. દરેક કામદારને જરૂરી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) આપવામાં આવે છે કે નહીં, તેની ગુણવત્તા કેવી છે અને તેનો નિયમિત ઉપયોગ થાય છે કે નહીં તે તપાસવું જરૂરી છે.
સાથે જ કચરાની ગાડીમાં જ ઊભા રહીને કચરાનું વર્ગીકરણ કરવાની ફરજ શા માટે પડે છે? શું કચરાના અલગ સંગ્રહ માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ નથી? શું મનપાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરની કામગીરીનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવે છે? જો આવી પરિસ્થિતિ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય તો જવાબદાર અધિકારીઓની ભૂમિકા પણ તપાસવી જોઈએ. અને આ સમગ્ર મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.
અંતે સૌથી મોટો સવાલ એ છે કે જૂનાગઢને સ્વચ્છ રાખવા માટે દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓના આરોગ્ય અને જીવનની કિંમત શું માત્ર કોન્ટ્રાક્ટની શરતો પૂરતી જ છે? શહેરને સ્વચ્છ બનાવવાના દાવા વચ્ચે જો સફાઈ કર્મચારીઓ, મહિલાઓ અને તેમના બાળકોની સુરક્ષા જ જોખમમાં હોય તો સ્વચ્છતા અભિયાનની સફળતા સામે પણ સવાલ ઊભા થાય તે સ્વાભાવિક છે.
હવે જોવાનું એ રહ્યું કે આ તસવીરો સામે આવ્યા બાદ જૂનાગઢ મનપાનું તંત્ર જાગશે કે પછી શ્રમિકોની સુરક્ષાનો આ ગંભીર મુદ્દો પણ કાગળ પરની તપાસ અને આશ્વાસનોમાં જ દબાઈ જશે?












