પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા 
*આદિવાસી વિસ્તારમાં વેપાર અને રોજગારને મળશે વેગ*
પંચમહાલ અને મહીસાગર સહિત આસપાસના આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ અને વાહનવ્યવહારની સુવિધામાં વધારો કરવાના હેતુથી મોરવા હડફના ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે એક મહત્વપૂર્ણ મુલાકાત યોજવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્યશ્રી દ્વારા ‘ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર’ અંતર્ગત મંજૂર થયેલા સંતરામપુર – મોરવા હડફ – સંતરોડ ફોર લેન હાઈવેને નાટાપુર ગામેથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે સાથે સીધી કનેક્ટિવિટી આપવા અંગે સઘન રજૂઆત કરવામાં આવી છે.
આ પ્રસ્તાવિત કનેક્ટિવિટી ઉપલબ્ધ થવાથી પંચમહાલ જિલ્લાના મોરવા હડફ, મહીસાગર જિલ્લાના સંતરામપુર અને લુણાવાડા તેમજ દાહોદ જિલ્લાના ફતેપુરા અને સંજેલી તાલુકાના સરહદી વિસ્તારોને સીધો લાભ મળશે. આ ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનના બાંસવાડા અને ડુંગરપુર જિલ્લાના આદિવાસી વિસ્તારો માટે પણ આ રોડ નેટવર્ક આશીર્વાદરૂપ સાબિત થશે. આ વિસ્તાર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સાથે જોડાવાથી સ્થાનિક સ્તરે પરિવહન, વેપાર-ઉદ્યોગ, કૃષિ ક્ષેત્ર તેમજ રોજગારીની નવી તકોને મોટું પ્રોત્સાહન મળશે અને સમગ્ર પંથકના આર્થિક વિકાસને ગતિ મળશે.
આ મુલાકાત દરમિયાન ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથાર સાથે જિલ્લા પંચાયત સદસ્ય (મોરા) અને સ્થાનિક આગેવાનો પણ સાથે રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી સમક્ષ વિસ્તારના અન્ય એક મહત્વના પ્રશ્ન તરીકે હારેડાથી ડેઝરને જોડતા રસ્તાના કામ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી અને તેને સત્વરે ઉકેલવા માંગ કરાઈ હતી. મુખ્યમંત્રીશ્રીએ આ બંને રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની હકારાત્મક ખાતરી આપી હતી.










