અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજીમાં દિવાળીના પર્વે ગરીબ અને અનાથ બાળકોને 1500 કિલો મોહનથાળનું વિતરણ
મિત્રના જન્મદિવસની અનોખી ઉજવણી, છેલ્લા ચાર વર્ષથી સેવાકાર્યની પરંપરા જાળવી
શામળાજી: યાત્રાધામ શામળાજીમાં દિવાળીના પાવન પર્વની શરૂઆત સાથે સેવાભાવી ગોપાલભાઈ પટેલ અને તેમના મિત્રોએ માનવતાની મહેક ફેલાવતું સરાહનીય કાર્ય કર્યું હતું. ગોપાલભાઈ પટેલના મિત્ર અનિશભાઈના જન્મદિવસને યાદગાર બનાવવા માટે ગરીબ અને અનાથ બાળકોને શુદ્ધ ઘીના મોહનથાળનું વિતરણ કરવામાં આવ્યું હતું.

છેલ્લા ચાર વર્ષથી આ સેવાકાર્યની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે દિવાળીના પર્વ નિમિત્તે અંદાજે 1500 કિલો મોહનથાળ તૈયાર કરી 1500 પેકેટ ડબ્બામાં પેક કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શામળાજી તથા આસપાસના વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારો અને બાળકો સુધી આ મોહનથાળ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ સેવાકાર્યમાં આંગણવાડીના સી.ડી.પી.ઓ. ગાગીબેન પટેલ તથા આંગણવાડીની બહેનોએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આંગણવાડીની બહેનો દ્વારા ઘરે-ઘરે જઈને મોહનથાળનાં પેકેટ પહોંચાડવામાં આવ્યાં હતાં, જેથી દિવાળીના પર્વે ગરીબ અને અનાથ બાળકોના ચહેરા પર પણ ખુશીની લહેર જોવા મળે.આ ઉમદા કાર્યમાં ગોપાલભાઈ પટેલ, ડૉ. પ્રવીણભાઈ પટેલ અને તેમના અન્ય મિત્રોએ સહભાગી બની સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જન્મદિવસની ઉજવણીને માત્ર વ્યક્તિગત પ્રસંગ સુધી સીમિત રાખવાને બદલે જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં મીઠાશ અને ખુશીઓ વહેંચવાનો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણાદાયી બન્યો છે.










