પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા 
ગોધરા ખાતે પતિ રોજગાર અર્થે વિદેશમાં રહેતા હોવાથી પોતાના પુત્ર સાથે એકલી રહેતી મહિલાને જેઠ અને જેઠાણી દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે, જેમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સમયસૂચકતા દાખવી બંને પક્ષોનું અસરકારક કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવ્યું છે.
ઘટનાની વિગતો મુજબ, મહિલાના જેઠ દ્વારા તેમના સગીર પુત્ર પાસે લાયસન્સ વગર બાઈક ચલાવી દૂધ ભરવા જવાની જીદ કરવામાં આવી હતી. જોકે, પુત્રની નાની ઉંમર અને જોખમને ધ્યાનમાં રાખીને મહિલાએ બાઈક મોકલવાની ના પાડતા જેઠ-જેઠાણીએ ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યો હતો અને અપશબ્દો બોલ્યા હતા. આ બનાવ બાદ અવારનવાર નાની-નાની બાબતોમાં મેણાંટોણાં મારી અને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોવાથી કંટાળીને આ મહિલાએ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક સાધ્યો હતો.
ફરીઆત મળતાની સાથે જ ગોધરા અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પીડિત મહિલાની આપવીતી સાંભળી તેને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ ટીમે બંને પક્ષોને આમસામે બેસાડી પારિવારિક સંબંધોની ગરિમા જાળવવા અને પરસ્પર સહાનુભૂતિપૂર્વક વર્તન કરવા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાઉન્સેલિંગ દરમિયાન જેઠ-જેઠાણીને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને તેમણે ભવિષ્યમાં મહિલા સાથે ક્યારેય ઝઘડો કે હેરાનગતિ નહીં કરવાની ખાતરી આપી હતી. અભયમ ટીમની મધ્યસ્થી અને કુશળ કાઉન્સેલિંગને કારણે આ મામલે બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન સધાયું હતું અને મહિલાને મોટી રાહત મળી હતી.










