બીલીમોરાના આંતલિયા વિસ્તારમાં પ્લાસ્ટિક હાઉસની હોલસેલ દુકાનમાં ભીષણ આગ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

દિવાળીના ફટાકડાથી આગ લાગી હોવાની આશંકા : લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાક, સદનસીબે જાનહાનિ ટળી

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના આંતલિયા વિસ્તારમાં આઈટીઆઈ સામે આવેલી પ્લાસ્ટિક હાઉસ નામની હોલસેલ દુકાનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ દિવાળીના ફટાકડાના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, દુકાનના પાછળના ભાગે રાખવામાં આવેલા સામાનમાં આગ લાગ્યા બાદ પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ દેખાતા હોવાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ફાયર એક્સ્ટિંગ્વિશર તથા પાણીની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બીજી તરફ, બિલીમોરા અને ગણદેવી ફાયર વિભાગની ટીમો પણ જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર વિભાગના જવાનોએ સતત આશરે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસરની કામગીરી અને સ્થાનિકોના પ્રયાસોને કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી અને આસપાસની મિલકતોને મોટી નુકસાનીથી બચાવી શકાય હતી.

સદનસીબે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે દુકાનમાં રાખેલો મોટો જથ્થો આગની લપેટમાં આવી જતાં લાખો રૂપિયાનું માલસામાન બળીને ખાક થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.

દિવાળીના પર્વ દરમિયાન ફટાકડાના કારણે આગ લાગી હોવાની આશંકા વચ્ચે આ ઘટનાએ વેપારી આલમમાં ચિંતા જગાવી છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો