વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે નવસારી રૂરલ પોલીસને જુગારધામ પર દરોડો પાડી સાત ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. કબીલપોર તળાવ ફળિયા વિસ્તારમાં કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત પોલીસ વિગતો અનુસાર, કબીલપોર તળાવ ફળિયા ખાતે એક ઘરની પાછળ ઇલેક્ટ્રિક થાંભલાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાનાં વડે ત્રણ પત્તીનો જુગાર રમી રહ્યા હોવાની માહિતીના આધારે નવસારી રૂરલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ઈલ્યાસ સફીભાઈ શેખ, નઝીરભાઈ અઝીમ મલિક, અજીતભાઈ સુરેશભાઈ હળપતિ, કિરણભાઈ ભાણાભાઈ રાઠોડ, અજયભાઈ ઠાકોરભાઈ રાઠોડ, ભરતભાઈ છગનભાઈ રાઠોડ અને મનોજભાઈ રમેશભાઈ હળપતિનો સમાવેશ થાય છે.
દરોડા દરમિયાન પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડ રકમ, ગંજીપાનાં તેમજ જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કેસની તપાસ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ. શૈયદ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ રેકોર્ડમાં નોંધાયું છે.








