વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઇ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતો અને મહિલાઓના ઉત્કર્ષ માટે હર હમેશ પ્રયત્નશીલ રહે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા વિવિધ તાલીમો દ્વારા પ્રેરણા આપતું રહે છે સાથે સાથે ડાંગ જિલ્લાની દેશી ગાયના ગોબરમાથી વિવિધ મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવવા માટે તાલીમોનું આયોજન કરતું રહે છે. આ પ્રયત્નના ભાગ રૂપે તા. ૦૨/૧૧/૨૦૨૬ થી ૦૬/૧૧/૨૦૨૬ દરમિયાન દેશી ગાયના ગોબરમાથી વિવિધ મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવવાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં ડો. હર્ષદ એ. પ્રજાપતિ, વૈજ્ઞાનિક (બાગાયત) ના માર્ગદર્શન હેઠળ શ્રી કેશુભાઈ મોકરિયા, સારથી સંસ્થા દ્વારા મહિલાઓને દેશી ગાયના ગોબરમાથી વિવિધ મૂલ્યવર્ધિત વસ્તુઓ જેવી કે, ધૂપબતી, શ્રીયંત્ર, ગણેશજી, અમૃતબિંદુ, ગોનાઇલ, શુભ-લાભ પ્રતિકૃતિ જેવી વિવિધ બનાવટની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં વિવિધ SHGની મહિલા તથા ખેડૂત ભાઈઓ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો અને દેશી ગાયના ગોબરમાથી વિવિધ મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવીને દેશી ગાયની ઓલાદના સંવર્ધન તથા બચાવ માટેનો સંકલ્પ કર્યો હતો. આ તાલીમમાં ૧૫ થી વધુ મહિલા અને ખેડૂતોએ ભાગ લોધો હતો.








