0%

અમદાવાદમાં ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ

અમદાવાદ

₹૪૬૪ કરોડના ખર્ચે નિર્મિત ૪.૦૩ કિલોમીટર લાંબા છ-માર્ગીય એલિવેટેડ કોરિડોરથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે

 

સમય અને ઇંધણની બચત સાથે સરખેજ-ગાંધીનગર હાઇવે પર વાહનવ્યવહાર વધુ સુગમ અને સુરક્ષિત બનશે

 

અમદાવાદમાં વાહનવ્યવહારની સુવિધાઓમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના ઇસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધીના નવનિર્મિત ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, ધારાસભ્યો અમિત ઠાકર અને બાબુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

નૂતન વર્ષના પ્રારંભ પૂર્વે અમદાવાદના નાગરિકોને આ મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાની ભેટ મળી છે. અંદાજિત રૂ. ૪૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલો ૪.૦૩ કિલોમીટર લાંબો અને ૨૬.૮ મીટર પહોળો છ-માર્ગીય એલિવેટેડ કોરિડોર સરખેજ-ગાંધીનગર હાઇવે પર વધતા વાહનવ્યવહારના ભારણને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ કોરિડોર શરૂ થવાથી વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી રાહત મળશે તેમજ મુસાફરીના સમયમાં અને ઇંધણના વપરાશમાં ઘટાડો થશે.

 

સરખેજથી ગાંધીનગર તરફના માર્ગ પર વાહનવ્યવહારને વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનાવવા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૧૪૭ પર આવેલા કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને YMCA જેવા વ્યસ્ત જંક્શનો પર ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં આ કોરિડોર મદદરૂપ બનશે. ખાસ કરીને ઓફિસ સમય દરમિયાન અને પીક અવર્સમાં વાહનોની અવરજવર વધુ સરળ બનવાની અપેક્ષા છે. આ ઉપરાંત મુસાફરીનો સમય ઘટવાથી વાહનોના સંચાલન ખર્ચમાં પણ ઘટાડો થશે, જેનાથી નાગરિકોને આર્થિક લાભ મળશે.

 

ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. કોરિડોરની કુલ લંબાઈ ૪.૦૩ કિલોમીટર છે, જેમાં ૨,૯૪૦ મીટરનો વાયાડક્ટ પોર્શન અને ૧,૦૯૦ મીટરની એપ્રોચ લંબાઈનો સમાવેશ થાય છે. ૨૬.૮ મીટરની પહોળાઈ ધરાવતા આ છ-માર્ગીય કોરિડોરનું નિર્માણ આધુનિક ટેકનોલોજી અને માર્ગ સુરક્ષાનાં ધોરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.

 

કોરિડોર પરથી પસાર થતાં વાહનોના અવાજને કારણે આસપાસના વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય તે માટે કુલ ૫,૮૮૦ મીટર લંબાઈમાં ખાસ નોઇઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. રાત્રિના સમયે વાહનચાલકોને પૂરતી પ્રકાશ વ્યવસ્થા મળી રહે તે માટે ૨૯૭ સ્ટ્રીટ લાઇટો સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત વાહનવ્યવહારનું અસરકારક સંચાલન થાય તે માટે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે.

 

માર્ગની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ઓવરહેડ તથા કેન્ટિલિવર ગેન્ટ્રી, રોડ સેફ્ટી બોર્ડ, કેટ આઇઝ અને એન્ટિ-ગ્લેર જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ ૭થી ૧૪ મીટર સુધીની પહોળાઈ ધરાવતા વ્હાઇટટોપિંગ સર્વિસ રોડનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ તમામ સુવિધાઓના કારણે મુખ્ય માર્ગની સાથે સર્વિસ રોડ પર પણ વાહનવ્યવહાર વધુ સુગમ બનશે.

 

આધુનિક માર્ગ સુરક્ષા વ્યવસ્થાઓ અને સુધારેલી ટ્રાફિક વ્યવસ્થાના કારણે અકસ્માતોની શક્યતા ઘટાડવામાં પણ આ પ્રોજેક્ટ ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને રોજિંદા ધોરણે સરખેજ, પ્રહલાદનગર, બોપલ, સાણંદ અને ગાંધીનગર તરફ અવરજવર કરતા વાહનચાલકોને આ કોરિડોરથી નોંધપાત્ર રાહત મળવાની આશા છે.

 

અમદાવાદના સતત વિસ્તરતા શહેરી વિસ્તાર અને વધતી વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરને શહેરના માળખાકીય વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટથી માત્ર ટ્રાફિકની સમસ્યા હળવી થશે એટલું જ નહીં, પરંતુ મુસાફરી વધુ સલામત, ઝડપી અને પર્યાવરણની દૃષ્ટિએ અનુકૂળ બનવામાં પણ મદદ મળશે.

 

લોકાર્પણ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, સ્થાનિક કાઉન્સિલરો તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

શહેર પસંદ કરો

જિલ્લા