તા.૦૯.૧૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Sukhsar:સુખસરના ભાટ મુવાડી ગામે આગનો બનાવ: ખેડૂતનો ઘાસચારો બળીને ખાખ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં આગની દુર્ઘટના સામે આવી છે. સુખસરના ભાટ મુવાડી ગામે અચાનક આગ લાગવાથી એક ખેડૂતનો પશુઓ માટે મહેનતથી એકત્રિત કરેલો ઘાસચારો અને મકાઈના ડોડા બળીને ખાખ થઈ ગયા છે. આ અકસ્માતમાં ખેડૂતને અંદાજે ₹૪૫, હજારનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ભાટ મુવાડી ગામના ખેડૂત શૈલેષભાઈ વીરશીંગભાઈ ડીંડોર રોજબરોજની જેમ પોતાના ખેતરમાં હાજર હતા. દરમિયાન સોમવારે સવારે અંદાજે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં તેઓ ઘરે જમવા ગયા હતા. આ સમયે અચાનક ખેતરમાં રહેલા ઘાસચારામાં આગ ભડકી ઉઠી હતી.ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, આગ એટલી વિકરાળ હતી કે પશુઓ માટે સંઘરી રાખેલો કિંમતી ઘાસચારો અને મકાઈના ડોડા સંપૂર્ણપણે બળીને ભસ્મ થઈ ગયા હતા.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે, પરંતુ અચાનક બનેલી આ ઘટનાથી પશુપાલક ખેડૂતને મોટું નુકસાન થયું છે. શિયાળાની શરૂઆતમાં જ પશુઓનો ખોરાક સ્વાહા થઈ જતાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે.









