તા.૦૯.૧૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Fatepura:દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ઉખરેલી રોડ પર મુનાફ ગુડાલાના ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનમાં ભંગાર અને પ્લાસ્ટિકનો સામાન હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. કાળા ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા હતા.
આગની જાણ થતાં આસપાસના લોકો સ્થળે ભેગા થયા હતા. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્થાનિક લોકોએ પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. તેમણે આગને આગળ ફેલાતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.ફતેપુરા પોલીસ સ્થળે પહોંચી હતી અને ભીડને કાબૂમાં લીધી હતી. નગરમાં ફાયર બ્રિગેડ ન હોવાથી ઝાલોદ અને સંતરામપુરની ટીમોને બોલાવવામાં આવી હતી. બંને સ્થળેથી ટીમો પહોંચ્યા બાદ સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોના પ્રયાસોથી આગ પર કાબૂ મેળવાયો હતો.ફતેપુરા તાલુકા મથક હોવા છતાં અહીં કાયમી ફાયર બ્રિગેડની સુવિધા નથી. આગની ઘટના બને ત્યારે ઝાલોદ કે સંતરામપુરથી ટીમ બોલાવવી પડે છે. ટીમ પહોંચે ત્યાં સુધી સમય લાગે છે અને વેપારીઓ કે નાગરિકોને નુકસાન થઈ શકે છે.આ ઘટના બાદ ફતેપુરામાં કાયમી ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવાની માગ ફરી ઉઠી છે.









