સુરેન્દ્રનગર બાળ સુરક્ષા તંત્રની સરાહનીય કામગીરી: પરિવારથી વિખૂટું પડેલું દિવ્યાંગ બાળક માતૃછાયામાં પરત ફર્યું

તા.06/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

બાળકોની સુરક્ષા, સંભાળ અને તેમના શ્રેષ્ઠ હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતી રાજ્ય સરકારની બાળ સુરક્ષા વ્યવસ્થાના સંવેદનશીલ અભિગમને સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક સફળતા મળી છે. પરિવારથી વિખૂટા પડી ગયેલા આશરે ૧૨ વર્ષીય દિવ્યાંગ બાળકને સુરક્ષિત આશ્રય તથા જરૂરી સંભાળ આપ્યા બાદ, તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ અને બાળ કલ્યાણ સમિતિના સંકલિત પ્રયાસો સફળ રહ્યા છે. મૂળ બિહારના આ બાળકનું તેના માતા-પિતા સાથે મહારાષ્ટ્રમાં સુરક્ષિત રીતે પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર રેલવે પોલીસને આ બાળક મળી આવતા તેને જરૂરી પ્રક્રિયા માટે બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. બાળકની સ્થિતિ અને તેના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને સમિતિ દ્વારા તેને સુરક્ષિત વાતાવરણ, આશ્રય અને સંભાળ મળી રહે તે માટે ડૉ. એલ.એમ. ધ્રુવ બાલાશ્રમ ખાતે રાખવામાં આવ્યું હતું બાળક સાથે સંવેદનશીલતા અને કાળજીપૂર્વક કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તે ઘરની બહાર રમવા જતાં પરિવારથી વિખૂટું પડી ગયું હતું. બાળક મૂળ બિહારનું વતની હોવાની તથા તેના માતા-પિતા હાલ મહારાષ્ટ્રમાં રહેતા હોવાની માહિતી મળતાં જ બાળ સુરક્ષા તંત્ર દ્વારા તેના પરિવાર સુધી પહોંચવા તાત્કાલિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જિલ્લા બાળ સુરક્ષા એકમ અને બાળ કલ્યાણ સમિતિ દ્વારા ઉપલબ્ધ વિગતોના આધારે બાળકના વાલીઓનો સંપર્ક કરી બાળક સુરક્ષિત હોવાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જરૂરી ઓળખ, સંબંધની ખરાઈ અને અન્ય કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરીને બાળકને તેની માતાને સોંપવામાં આવ્યું હતું. બાળ સુરક્ષા તંત્ર દ્વારા સમયસર કરવામાં આવેલા આ સંકલિત પ્રયાસોના પરિણામે બાળકને ફરીથી પોતાના પરિવારનો પ્રેમ અને સુરક્ષા મળ્યા છે. આ સમગ્ર પુનઃસ્થાપન પ્રક્રિયામાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ ચૌહાણ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજયભાઈ મોટકા, પ્રોટેક્શન ઓફિસર મીનલબેન ડોરિયા, ડૉ. એલ.એમ. ધ્રુવ બાલાશ્રમના પ્રમુખ રાજેન્દ્રભાઈ દવે, સંચાલક દાદુભા વાઘેલા, દિલીપભાઈ પરમાર, ઈન્ચાર્જ અધિક્ષક શ્રીમતી આશાબા પરિહાર તથા જયેશભાઈ સાપરાનો સક્રિય સહયોગ રહ્યો હતો. દરેક બાળકને સુરક્ષિત વાતાવરણ, જરૂરી સંભાળ અને પરિવાર આધારિત છત્રછાયા પૂરી પાડવાના મૂળભૂત ઉદ્દેશ સાથે થયેલી આ સફળ કામગીરી બાળ સુરક્ષા તંત્રની સંવેદનશીલતા, ઝડપી કાર્યવાહી અને અસરકારક સંકલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની છે.

12
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો