
બોડેલીની ખત્રી વિદ્યાલયના શિક્ષક અજરુદ્દીન ખત્રીનું છોટાઉદેપુર ખાતે શિક્ષક દિને વિશિષ્ટ સન્માન: ગણિત-વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવતા એવોર્ડ એનાયત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 SSC બોર્ડની પરીક્ષામાં બોડેલી સ્થિત ખત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાન જેવા કઠિન વિષયોમાં 100માંથી 100 ગુણ (પરફેક્ટ સ્કોર) મેળવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, ત્યારે આ અભૂતપૂર્વ પરિણામ પાછળ મહત્વપૂર્ણ યોગદાન આપનાર માર્ગદર્શક શિક્ષક અજરુદ્દીન ખત્રી સાહેબનું છોટાઉદેપુર ખાતે આયોજિત શિક્ષક દિનના કાર્યક્રમમાં વિશેષ એવોર્ડ આપી ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું. અજરુદ્દીન ખત્રીએ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીથી દૂર રાખી વિષયની ઊંડાણપૂર્વકની અને પ્રાયોગિક સમજ આપીને તૈયાર કર્યા હતા, જેના ફળસ્વરૂપે વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ ગુણ મેળવી સમગ્ર પંથક તેમજ ખત્રી સમાજનું ગૌરવ વધાર્યું છે. શિક્ષક દિને મળેલા આ વિશિષ્ટ એવોર્ડ અને વિદ્યાર્થીઓની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ ખત્રી સમાજના અગ્રણીઓ, વડીલો અને શુભેચ્છકોએ અજરુદ્દીન ખત્રી સાહેબ તેમજ તેજસ્વી તારલાઓને અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર તોસીફ ખત્રી








