તારીખ ૦૮/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સુરેલી ગામે ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરી રાખવામાં આવેલ લીલા ગાંજાના છોડ સાથે સ્થાનિક પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પંચમહાલ-ગોધરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને વેજલપુર પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડીને રૂ. ૧,૧૩,૦૦૦ ની કિંમતના ૨.૨૬૦ કિલોગ્રામ વજન ધરાવતા લીલા ગાંજાના પાંચ છોડ જપ્ત કર્યા છે. પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની ગેરકાયદે પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા આપેલી સૂચના મુજબ SOG પી.આઈ. એમ. એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ તપાસમાં હતી. આ દરમિયાન વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા SOG પીએસઆઈ એ. આર. તડવીને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી આધારે વેજલપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જી. કે. વહુનિયા, પીએસઆઈ એ. આર. તડવી તથા પોલીસ સ્ટાફ અને સરકારી પંચોને સાથે રાખીને કાલોલ તાલુકાના સુરેલી ગામે ચૌહાણ ફળિયામાં રહેતા કિરણસિંહ શંકરસિંહ ચૌહાણના કબજા ભોગવટાવાળા ખેતરમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ખેતરમાંથી ૫ નંગ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. વજનકાંટા પર તોલતાં તેનું કુલ વજન ૨.૨૬૦ કિલોગ્રામ થયું હતું, જેની બજાર કિંમત આશરે રૂ. ૧,૧૩,૦૦૦/- આંકવામાં આવી છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપી કિરણસિંહ શંકરસિંહ ચૌહાણ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







