ભારતીય સ્ટેટ બેન્ક, કેશોદ શાખા દ્વારા પેન્શનરો સાથે સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેશોદ શાખાના મેનેજર અખિલ પ્રકાશ સિંહ રૌઠાણ દ્વારા શાખા સાથે વર્ષોથી જોડાયેલા પેન્શનરોને બેઠકમાં આમંત્રિત કરી બેંકની સેવાઓ અંગે તેમના ફીડબેક, સૂચનો અને રજૂઆતો જાણવામાં આવી હતી. બેઠક દરમિયાન મેનેજર દ્વારા પેન્શનરોને ભારતીય સ્ટેટ બેન્કની કેશોદ શાખા તરફથી કોઈ અગવડતા પડતી હોય, બેંકની કામગીરી અંગે કોઈ સલાહ-સૂચન હોય અથવા સેવાઓમાં સુધારા માટે કોઈ રજૂઆત હોય તો નિઃસંકોચ જણાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પેન્શનરોને બેંક દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ અને સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને YONO SBI એપ મારફતે ઓનલાઈન બેંકિંગ અને વિવિધ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે તેની જાણકારી આપવામાં આવી હતી. તેમજ SBI WhatsApp બેંકિંગ સેવા દ્વારા ટ્રાન્ઝેક્શન કર્યા વિના પણ ખાતા સંબંધિત જરૂરી માહિતી મેળવી શકાય છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મેનેજર અખિલ પ્રકાશસિંહ રૌઠાણે જણાવ્યું હતું કે, બેંકની સેવાઓનો લાભ લેતા પેન્શનરોને કોઈપણ પ્રકારની અગવડતા હોય તો તેઓ ગમે ત્યારે શાખામાં આવી મેનેજરની કચેરીમાં પોતાની રજૂઆત કરી શકે છે. પેન્શનરોની સમસ્યાઓ અને સૂચનોને પ્રાથમિકતા આપી યોગ્ય સહકાર આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન પેન્શનરો દ્વારા પણ પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા. પેન્શનર ભાઈ-બહેનોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં તેમના માટે આ પ્રથમ પ્રસંગ છે કે શાખાના મેનેજર દ્વારા ખાસ પેન્શનરોની બેઠક યોજી તેમની સુવિધા અને સમસ્યાઓ અંગે સીધો સંવાદ કરવામાં આવ્યો છે. પેન્શનરોએ આ પહેલને આવકારી મેનેજર અને SBI કેશોદ શાખાનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર બેઠક ભાવપૂર્ણ અને આત્મીય વાતાવરણમાં યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત પેન્શનરો માટે ચા-નાસ્તા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે સાથે દરેક પેન્શનરને ભેટ પણ આપવામાં આવી હતી. પેન્શનરો સાથે સીધો સંવાદ કરી તેમની જરૂરિયાતો અને સૂચનો જાણવાની આ પહેલની ઉપસ્થિત સૌએ પ્રશંસા કરી હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










