વડોદરામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રૂબરૂ જોવાની ક્ષણે જૂનાગઢના વિશ્વા હિતેશભાઈ વાડોયા ભાવુક થઈ ગયા હતા. જૂનાગઢના નાના ગામમાંથી આવતાં ૨૩ વર્ષીય વિશ્વા વાડોયા હાલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) સાથે ચેસ ટ્રેનર તરીકે જોડાયેલા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આટલી નજીકથી જોવાની ક્ષણ યાદગાર બની રહી છે. તેમને રૂબરૂ જોવાનો દિવસ તેમના જીવનનો ક્યારેય ન ભૂલાય તેવો દિવસ રહેશે. વિશ્વાના પિતા હિતેશ વાડોયાએ તેમની કારકિર્દીમાં સતત સાથ આપ્યો છે. વિશ્વાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ખેલ મહાકુંભે તેમની કારકિર્દીમાં મહત્વનો વળાંક લાવ્યો. આ પહેલના કારણે તેમને નોકરી મળી અને રમત ક્ષેત્રે આગળ વધવાની તક મળી. વિશ્વાએ જણાવ્યું કે તેમના ગામમાં છોકરીઓને રમતગમતમાં ભાગ લેવાની મંજૂરી મળતી ન હતી. પરંતુ તેમના પિતાએ ખેલ મહાકુંભમાં તેમનું નામ નોંધાવ્યું, જે તેમની કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થયું. ત્યારબાદ તેમણે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય FIDE રેટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને આજે (SAG) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ તરીકે પોતાની કારકિર્દી બનાવી છે. આ ઉપરાંત વિશ્વાએ જણાવ્યું કે, “ખેલ મહાકુંભના કારણે મને નોકરી મળી. આ પહેલથી ખાસ કરીને ગામડાની છોકરીઓને પોતાના ગામમાંથી બહાર આવીને રમતગમત અને જીવનમાં આગળ વધવાની તક મળી છે. મારા પરિવાર પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આ ઉપકાર હંમેશા રહેશે.” વિશ્વાએ પોતાના જીવનમાં આવેલી આ તક માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમને રૂબરૂ મળવાની આ ક્ષણ જીવનભર યાદગાર રહેશે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ











