MORBI:મોરબીના સનાળા રોડ પર ચાલુ કારમાં અચાનક ભીષણ આગ: ફાયર બ્રિગેડે સમયસૂચકતા દાખવી આગ પર કાબૂ મેળવ્યો

મોરબીના વ્યસ્ત ગણાતા સનાળા રોડ પર આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે. છોટાલાલ પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહેલી એક ‘i10’ કારમાં અચાનક કોઈ કારણોસર ભીષણ આગ ભબકી ઉઠી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ કારમાં સવાર લોકો તાત્કાલિક બહાર નીકળી જતાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી. બનાવ અંગે તાત્કાલિક મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભરચક રોડ પર બનેલી આ ઘટનાને પગલે થોડા સમય માટે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.










