આજરોજ કેશોદની ન્યુ એરા પ્રોફેસર એકેડેમી ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની અનોખી અને શૈક્ષણિક પ્રવૃત્તિથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનું સંપૂર્ણ સંચાલન એક દિવસ માટે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ધોરણ 1થી 10 સુધીના વિવિધ વર્ગોમાં વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવી શિક્ષણકાર્ય કરાવ્યું હતું. શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એક દિવસ માટે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના વર્ગમાં વિષયને અનુરૂપ પાઠ ભણાવવાની સાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી શિક્ષણકાર્ય કરાવ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષકની જવાબદારી, શિસ્ત, આયોજન, આત્મવિશ્વાસ અને વર્ગ સંચાલનનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો હતો. આ પ્રસંગે પ્રિન્સિપાલની જવાબદારી સંભાળનાર સ્નેહલ અશ્વિનભાઈ તથા તુલસી ડાંગર દ્વારા શાળાના વિવિધ વર્ગોની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા શિક્ષણકાર્યનું નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે શિક્ષકની ભૂમિકા નિભાવી હોવાનું જોવા મળ્યું હતું. ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષકના મહત્વ અને વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષકોના યોગદાનને ઉજાગર કરવા માટે શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. શાળાના સંચાલક ડો.પ્રો.પ્રવીણ ગજેરા દ્વારા એક દિવસ માટે શિક્ષક બનેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને શિક્ષકની ભૂમિકા નિભાવવાના અનુભવને જીવનમાં ઉપયોગી બનાવવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે પ્રિન્સિપાલ સ્નેહાએ જણાવ્યું હતું શિક્ષક બનવું એ ખૂબ જ ભવ્ય અને જવાબદારીભર્યું કાર્ય છે. શિક્ષક માત્ર વિષયનું જ્ઞાન આપતા નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ સમગ્ર પ્રવૃત્તિના કારણે વિદ્યાર્થીઓમાં શિક્ષક પ્રત્યે આદરની ભાવના વધુ મજબૂત બની હતી તેમજ શિક્ષકની જવાબદારી અને મહત્વને સમજવાનો અનોખો અવસર મળ્યો હતો. શાળાના શિક્ષકો અને સંચાલનના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ઉજવણી વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 










