હાલોલમાં શ્રીજીની આગમન યાત્રામા અફરા તફરી, ડી.જે.ના ઘોંઘાટ વચ્ચે અફરાતફરી:તંત્રની કામગીરી સામે સવાલો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૯.૨૦૨૬

હાલોલ નગરમાં શ્રી ગણેશ મહોત્સવની શરૂઆત પહેલાં યોજાતી શ્રીજીની ભવ્ય આગમન યાત્રાઓ હવે શ્રદ્ધા અને ભક્તિ કરતાં ડી.જે.ના શોરબકોર, શક્તિપ્રદર્શન અને બેકાબૂ ભીડને કારણે વધુ વિવાદમાં આવી રહી છે.ગત મંગળવારની રાત્રે હાલોલમાં સર્જાયેલી ઘટના માત્ર એક ઉત્સવની અવ્યવસ્થા નહોતી, પરંતુ ધાર્મિક આયોજનોમાં કાયદા અને નિયમોના અમલીકરણ સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરતી ઘટના બની રહી છે.વિઘ્નહર્તા શ્રી ગણેશજીની આરાધનાનો આ પર્વ સામાજિક એકતા, ભક્તિ અને આનંદનું પ્રતીક છે. જોકે, ઉત્સવના નામે કાનના પડદા ફાડી નાખે તેવા ડી.જે.ના અવાજો, કલાકો સુધી ખોરવાતો વાહનવ્યવહાર, બેકાબૂ બનતી ભીડ અને જાહેર મિલકતોને થતું નુકસાન જોઈને સવાલ થાય છે કે — આ ઉજવણી શ્રીજીની ભક્તિ માટે છે કે પછી ડી.જે.ના શક્તિપ્રદર્શન માટે?મંગળવારની રાત્રે હાલોલ નગરમાં અંદાજે પાંચ જેટલી વિશાળ શ્રીજી પ્રતિમાઓનું આગમન થયું હતું. આ યાત્રાઓ માટે ગણેશ મંડળો દ્વારા મોટા પાયે ડી.જે. સાઉન્ડ સિસ્ટમો ભાડે રાખવામાં આવી હતી. ડી.જે.ના ક્રેઝને કારણે હાલોલ શહેર, તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો યુવાનો ઉમટી પડ્યા હતા.યાત્રા દરમિયાન બે મોટા ડી.જે. સામસામે આવી જતાં ‘કોનું સાઉન્ડ સિસ્ટમ વધુ શક્તિશાળી’ તે સાબિત કરવાની હોડ જામી હતી. આ સ્પર્ધાત્મક માહોલમાં હજારોની મેદની એકઠી થઈ ગઈ હતી, જેના કારણે હાલોલ એસ.ટી. સ્ટેન્ડથી લઈને વડોદરા રોડ અને કણજરી રોડ સુધીનો વાહનવ્યવહાર કલાકો સુધી થંભી ગયો હતો.યાત્રાનો સૌથી ચિંતાજનક પહલૂ ત્યારે સામે આવ્યો જ્યારે ઉશ્કેરાયેલી ભીડે કાબૂ ગુમાવ્યો હતો. શ્રીજીની પ્રતિમા સમક્ષ ભક્તિભાવના ગુંજારવને બદલે માર્ગો પર સામસામે ચપ્પલો ઉછળવા લાગ્યા હતા. ભાગદોડ અને અફરાતફરી મચતાં આસપાસની મિલકતોને પણ નુકસાન પહોંચ્યું હતું. સ્થિતિ એટલી કફોડી બની હતી કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્રના પણ પસીના છૂટી ગયા હતા.ઘટનાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે બુધવારે સવારે નગરપાલિકાની ટીમ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે ઘટનાસ્થળેથી બે થી ત્રણ ટ્રેક્ટર ભરાય તેટલા ચંપલોનો કચરો એકત્ર થયો હતો.ગણેશ મહોત્સવ પૂર્વે તંત્ર દ્વારા પ્રતિમાની ઊંચાઈ, ડી.જે.નો અવાજ અને સમયમર્યાદા અંગે જાહેરનામા બહાર પાડવામાં આવે છે. આમ છતાં, આ ઘટના બાદ સ્થાનીય વહીવટી તંત્ર અને પોલીસની કામગીરી સામે સ્થાનિકોમાં અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે.હજારોની ભીડ એકઠી થવાની પૂરતી શક્યતા હોવા છતાં તંત્ર દ્વારા સુરક્ષાનું આગોતરું આયોજન કેમ ન કરાયું? ડી.જે. સાઉન્ડ અને સમયમર્યાદા અંગેના નિયમો કાગળ પર જ કેમ રહ્યા? મોડી રાત સુધી સુપર-હાઇ વોલ્યુમમાં સાઉન્ડ સિસ્ટમો વાગતી રહી છતાં કાર્યવાહી કેમ ન થઈ.હાલોલ શહેરના મુખ્ય માર્ગો કલાકો સુધી ચક્કાજામ રહ્યા અને બે મોટા ડી.જે. સામસામે આવી ગયા, તો રૂટ ડાયવર્ઝન કે તૈનાતીમાં ચૂક કોના સ્તરે થઈ?હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને હાલોલના નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આગામી મુખ્ય ઉત્સવ દરમિયાન તંત્ર આવા બેકાબૂ ડી.જે. આયોજકો સામે કડક કાર્યવાહી કરશે કે પછી પરિસ્થિતિ પુનઃ આવી જ રહેશે?

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો