સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવા, વધુમાં વધુ ખેલાડીઓને રમતગમત સાથે જોડવા તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય તક મળી રહે તે હેતુસર ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ અંતર્ગત ખેલાડીઓ, શાળા-કોલેજો, રમતગમત સંસ્થાઓ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા સરળતાથી અને મહત્તમ પ્રમાણમાં થાય તે હેતુસર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા તાલુકાવાર રજીસ્ટ્રેશન તથા માર્ગદર્શન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે માળિયા હાટીના, માંગરોળ અને કેશોદ તાલુકાના બી.આર.સી. ભવન ખાતે રજીસ્ટ્રેશન માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. શિબિરમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા, ખેલાડીઓની એન્ટ્રી, રમતવાર તથા વયજૂથવાર નોંધણી, જરૂરી વિગતો ભરવાની પ્રક્રિયા તેમજ રજીસ્ટ્રેશન દરમિયાન ઉદ્ભવતી મુશ્કેલીઓના નિરાકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માળિયા હાટીના ખાતે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હમીરભાઈ સિંધવ, શૈક્ષણિક સંઘના પ્રમુખ જયદીપસિંહ ડોડીયા, બી.આર.સી. કો-ઓર્ડીનેટર રાજેશભાઈ ડોડીયા સહિત તાલુકાના સી.આર.સી. કો-ઓર્ડીનેટર તથા આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. માંગરોળ ખાતે બી.આર.સી. કો-ઓર્ડીનેટર નરેન્દ્રસિંહ ચુડાસમા, વ્યાયામ સંઘના મહામંત્રી શૈલેષભાઈ પરમાર, કેળવણી નિરીક્ષક આનંદભાઈ તન્ના સહિત તાલુકાના સી.આર.સી. કો-ઓર્ડીનેટર તથા સંબંધિત શાળા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ ખાતે બી.આર.સી. કો-ઓર્ડીનેટર ભરતભાઈ નંદાણીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રકાશભાઈ ચુડાસમા, શૈક્ષણિક સંઘના અધ્યક્ષ વિરમભાઈ ચોચા, ઉત્કર્ષ મંડળના પ્રમુખ સુનીલભાઈ રાઠોડ, તાલુકાના સી.આર.સી. કો-ઓર્ડીનેટર સહિત આચાર્યશ્રીઓ તથા સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શિબિરનું સંચાલન જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મનીષકુમાર જીલડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા ઉપસ્થિતોને ખેલ મહાકુંભ-૨૦૨૬ના ઓનલાઈન રજીસ્ટ્રેશન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 









