નર્મદા : ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહના પૂર્વ આયોજન અંગે એકતાનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
*આગામી ૨૨ સપ્ટેમ્બરે માન. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય સમારોહ*
રાજપીપલા : જુનેદ ખત્રી
ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન આગામી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવનાર છે.

વર્ષ ૧૯૫૪માં નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત થયા બાદ પ્રથમ વખત નવી દિલ્હી બહાર આ પ્રતિષ્ઠિત સમારોહનું આયોજન વિશ્વ પ્રવાસન સ્થળ એકતાનગર ખાતે કરવામાં આવી રહ્યું છે. ત્યારે સમારોહની પૂર્વ તૈયારીઓ અને વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા માટે આજે એકતાનગર ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિક સચિવ પ્રભાતજીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.
બેઠકમાં માન. રાષ્ટ્રપતિના પ્રોટોકોલને અનુરૂપ જરૂરી વ્યવસ્થાઓ, પુરસ્કાર વિજેતાઓ તથા આમંત્રિત મહાનુભાવોની વ્યવસ્થા, વીવીઆઈપી માટેની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા, પરિવહન વ્યવસ્થા તેમજ કાર્યક્રમના સુચારુ અને સફળ આયોજન માટે જરૂરી વિવિધ પાસાઓ અંગે વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક બાદ અધિકારીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ-બે ખાતે કાર્યક્રમના નિર્ધારિત સ્થળની મુલાકાત લઈ સ્થળ પરની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સ્થળની વ્યવસ્થા, મહાનુભાવોના આગમન-પ્રસ્થાન, પ્રોટોકોલ તથા અન્ય જરૂરી બાબતો અંગે સ્થળ પર જ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત સચિવ કે.કે. નિરાલા અને ડૉ. અજય નાગભૂષણ, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC)ના વરિષ્ઠ અધિકારીઓ, નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, દૂરદર્શન તથા આકાશવાણીના અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વરિષ્ઠ અધિકારીઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









