10 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરના રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા તા. 9 સપ્ટેમ્બર, 2026ના રોજ વિદ્યાર્થીઓ માટે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભાની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવાની તક મળી હતી.મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ વિધાનસભાની કાર્યપ્રણાલી, પ્રશ્નોત્તરી, ચર્ચા-વિચારણા, કાયદા ઘડવાની પ્રક્રિયા તેમજ ધારાસભ્યોની ભૂમિકા અંગે પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હતું. લોકશાહી વ્યવસ્થામાં વિધાનસભાનું મહત્વ અને લોકપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતી કામગીરીને નજીકથી નિહાળીને વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રાપ્ત થયેલા રાજ્યશાસ્ત્રના સૈદ્ધાંતિક જ્ઞાનને વ્યવહારિક અનુભવ સાથે જોડવાની તક મળી હતી.ગુજરાત વિધાનસભાની ભવ્ય ઇમારત તથા સંસદીય પરંપરાઓથી પણ વિદ્યાર્થીઓ પરિચિત થયા હતા. આ શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, સંસદીય કાર્યપ્રણાલી અને જવાબદાર નાગરિકત્વ અંગે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો.
આ સમગ્ર મુલાકાતનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. વિજયકુમાર પ્રજાપતિના સંકલનથી કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ મુલાકાતને પોતાના શૈક્ષણિક જીવનનો યાદગાર અને જ્ઞાનવર્ધક અનુભવ ગણાવ્યો હતો.











