મોરબીમાં જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા અને શ્રમ – રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિ
મોરબી: રાજ્યભરમાં તા. ૩૦ ઓક્ટોબરના રોજ કિસાન દિવસ અને તા. ૩૧ ઓક્ટોબરના રોજ એકતા દિનની ઉજવણી કરવામાં આવનાર છે. આ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમોના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા-વિચારણા કરવા મોરબી કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને અને શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.

આ પ્રસંગે રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન અંગે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબીથી બંને મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ દરમિયાન મોરબીથી મંત્રીશ્રીઓએ જિલ્લા કક્ષાના કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યાં હતાં.
આ બેઠકમાં મેયરશ્રી ઉત્તમભાઈ સુરાણી, કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, મ્યુનિસિપલ કમિશનરશ્રી સંગીતા રૈયાણી, પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. સુનિલકુમાર બેરવાલ, અગ્રણીશ્રી જયંતીભાઈ રાજકોટિયા, સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.












