રિપોર્ટર .કાદિર દાઢી.હાલોલ

તા.૨૮.૧૦.૨૦૨૬
પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાલોલ તાલુકાના અભેટવા ગામે નારાયણ નગરમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન મકાનમાંથી કુલ ૧,૨૧૦ નંગ બોટલ અને ક્વાટરિયા મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹૩,૫૩,૯૨૧/- થાય છે.પ્રાપ્ત વિગત અનુસાર, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળી હતી કે અભેટવા ગામના નારાયણ નગરમાં રહેતો મનોજભાઈ શાંતિલાલ પરમાર પોતાના ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી ઉક્ત સ્થળે દરોડો પાડ્યો હતો.પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ત્યારે મકાન ખુલ્લું હતું અને કોઈ વ્યક્તિ હાજર મળી આવ્યું ન હતું. ઘરમાં પંચોની હાજરીમાં ઝડતી તપાસ કરતા બીજા ખંડમાંથી તેમજ પલંગ અને થેલાઓમાંથી અલગ-અલગ બ્રાન્ડની વ્હિસ્કી, વોડકા તેમજ બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં માઉન્ટ ૬૦૦૦ બિયર, ટુબર્ગ, કિંગ ફિશર તેમજ રોયલ સ્ટેગ, ગ્રીન લેબલ, મેકડોવેલ્સ નંબર-૧, લંડન પ્રાઈડ, ગોવા વ્હિસ્કી સહિત વિવિધ બ્રાન્ડની નાની-મોટી બોટલો અને ક્વાટરિયા મળી કુલ ૧,૨૧૦ નંગ પ્રોહી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.રેઈડ દરમિયાન મકાનમાંથી શાંતિલાલ અમરસિંહ પરમારના નામનું લાઇટ બિલ પણ મળી આવ્યું હતું. રેઈડ દરમિયાન આરોપી મનોજભાઈ શાંતિલાલ પરમાર સ્થળ પર હાજર ન મળી આવતા, હાલોલ રૂરલ પોલીસ મથકે તેની સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.











