જીવનમાં આવતી મુશ્કેલીઓ અને પડકારો સામે હિંમતપૂર્વક સામનો કરવા માટે સકારાત્મક અભિગમ, યોગ્ય માર્ગદર્શન અને સમયસર મળતી સહાય અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. માનસિક તણાવની પરિસ્થિતિમાં વ્યક્તિને સમજણપૂર્વક સાંભળવી અને જરૂરી સમયે યોગ્ય મદદ પૂરી પાડવી આત્મહત્યા નિવારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ ઉદ્દેશ્ય સાથે ડૉ. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આજરોજ ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ નિમિત્તે ‘આત્મહત્યા નિવારણ : ચેતવણીરૂપ સંકેતો, કારણો અને નિવારણના ઉપાયો’ વિષય પર વિશેષ પરિસંવાદ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ સંસ્થાના આદ્યસ્થાપક પૂજ્ય બાપુજીને સ્મરણાંજલિ અર્પણ કરી મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આ તકે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. બલરામ ચાવડાએ જીવનના પડકારો અને તણાવનો સામનો કરવા મનોબળ મજબૂત રાખી સકારાત્મક અભિગમ કેળવવા અનુરોધ કર્યો હતો. પરિસંવાદમાં સિવિલ હોસ્પિટલ, જૂનાગઢના મનોવૈજ્ઞાનિક શ્રી સુમિત વડસરિયાએ આત્મહત્યા તરફ દોરી જતાં માનસિક અને સામાજિક કારણો તેમજ વ્યક્તિના વર્તનમાં જોવા મળતા ચેતવણીરૂપ સંકેતો અંગે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે વ્યક્તિના વર્તનમાં અચાનક થતા ફેરફારો, એકલવાયું રહેવું, નકારાત્મક વિચારો કે વાતચીત સહિતના સંકેતોને સમયસર ઓળખી વ્યક્તિને જરૂરી ભાવનાત્મક સહયોગ અને મદદ પૂરી પાડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક ડૉ.સોહમ બુચે આત્મહત્યા નિવારણ માટેના તબીબી અને ક્લિનિકલ ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ડિપ્રેશન, એન્ઝાઈટી જેવી માનસિક સમસ્યાઓની સમયસર ઓળખ, યોગ્ય તબીબી સારવાર, વ્યાવસાયિક કાઉન્સેલિંગ તેમજ સંકટની પરિસ્થિતિમાં હેલ્પલાઇન અને તબીબી સેવાઓનો લાભ લેવાની આવશ્યકતા અંગે સમજ આપી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. અશોક કંટારિયાએ કર્યું હતું, જ્યારે શાંતીબેન કાંબરિયાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમના અંતે બંને તજજ્ઞોને સંસ્થા તરફથી આભારદર્શક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પરિસંવાદમાં કોલેજનો શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના ટ્રસ્ટીશ્રી જવાહરભાઈ ચાવડા તથા મીતાબેન ચાવડાએ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







