વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં આવેલ જિલ્લા પંચાયત આહવા ખાતે વેક્સીન વાન ડ્રાઇવરની ભરતી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આરોપ સાથે અરજદાર અશ્વિનભાઈ સનતભાઈ પવાર (રહે. આહવા) દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને એક લેખિત અરજી પાઠવવામાં આવી છે.અરજીમાં જણાવ્યા અનુસાર, ડ્રાઇવરની ભરતી પ્રક્રિયા દરમિયાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ‘અલ્ટ્રા મોડર્ન એજન્સી’ને ફોન મારફતે સુચના આપીને મનસ્વી રીતે તાત્કાલિક ઓર્ડર આપી ગેરરીતિ આચરવામાં આવી છે.ગત તારીખ ૦૮/૦૯/૨૦૨૬ ના રોજ એક જ ઘરના બે વ્યક્તિઓ પૈકી, પિતા કૈલાશભાઈ બાવિસ્કર કે જેઓ હાલ જિલ્લા પંચાયત આરોગ્ય કચેરીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે, તેમના પુત્ર કરણભાઈ બાવિસ્કરને વેક્સીન વાનના ડ્રાઇવર તરીકે નિયમો વિરુદ્ધ ઓર્ડર આપી દેવામાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.અરજદારે માંગ કરી છે કે તારીખ ૦૮/૦૯/૨૦૨૬ ના રોજ નિયમ વિરુદ્ધ આપવામાં આવેલ ડ્રાઇવિંગ ઓર્ડરને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. વધુમાં તેમણે જણાવ્યું કે ૧૦૦% આદિવાસી વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં બહારથી આવતા પરપ્રાંતીય કે અન્ય જ્ઞાતિના ઉમેદવારોને ભરતીમાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થાનિક આદિવાસી ઉમેદવારો અન્યાયનો ભોગ બની રહ્યા છે. આ સમગ્ર ભરતી પ્રક્રિયાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી નિમવામાં આવે તેમજ પારદર્શક પદ્ધતિથી નિયમાનુસાર નવેસરથી ભરતી યોજીને સ્થાનિક આદિવાસી ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ અરજીની નકલ પ્રભારી મંત્રી, નાયબ મુખ્યદંડક, જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા આરોગ્ય અધિકારીને પણ રવાના કરવામાં આવી છે.






