MORBI મોરબી તાલુકા પોલીસે નવા સાદુળકા સીમ પાસેથી રૂ. ૩૭,૧૬૫/- ના વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી અને સઘન તપાસના આધારે નવા સાદુળકા ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નવા સાદુળકા ગામની સીમમાં નેશનલ હાઈવે સર્વિસ રોડ પર અન્નપૂર્ણ હોટલ સામે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઊભો છે. પોલીસે તુરંત જ તે સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન રોડની સાઈડમાં ત્રણ પ્લાસ્ટિકના બાચકા સાથે ઊભેલા શખ્સની અંગજડતી અને સામાનની ચકાસણી કરતાં તેની પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ ૬૫ બોટલ મળી આવી હતી. જપ્ત કરાયેલ દારૂની કિંમત રૂ. ૩૬,૭૨૫/- તથા બાચકામાં રહેલા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. ૩૭,૧૬૫/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા ઇસમે પોતાનું નામ અરબાઝ બરકતઅલી જીવાણી (ઉ.વ. ૨૭, રહે. લેટેસ્ટ ગાર્ડનની સામે, માર્કો સોસાયટી, ધૂટિયા રોડ, તા. જી. મોરબી) હોવાનું જણાવ્યું હતું. આરોપી પાસે દારૂ રાખવા કે વહન કરવા અંગેનું કોઈ પણ પ્રકારનું અધિકૃત પાસ-પરમિટ કે આધાર ન હોવાને કારણે પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.













