*રીપોર્ટ આસીફ લુણાવાડા*

અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે યોજાઈ “રન ફોર યુનિટી”
લુણાવાડા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરી ભવ્ય એકતા દોડનું કરાયું આયોજન
પ્રભારી મંત્રી પી. સી. બરંડા સહિત ઉપસ્થિત મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
મહિલા પોલીસ ચોકીથી વાસિયા પોલીસ મથક સુધી વિશાળ જનમેદનીએ લગાવી એકતા દોડ
ભારતના અખંડ શિલ્પી, ‘ભારત રત્ન’ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી ગૌરવવંતી જન્મજયંતી નિમિત્તે આજે મહીસાગર પોલીસ દ્વારા લુણાવાડા ખાતે ‘રન ફોર યુનિટી’ (એકતા દોડ)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રી પી. સી. બરંડાની પ્રેરક આગેવાની અને અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પ્રારંભે મહાનુભાવો અને ઉપસ્થિતોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવી રાખવાના શપથ ગ્રહણ કરી સરદાર પટેલના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો અને પ્રભારી મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલા પોલીસ ચોકી સામે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક ફુલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે લુણાવાડા સ્ટેટ મહારાજા સિદ્ધરાજસિંહજી, સંતરામપુર સ્ટેટ મહારાજા પરાંજયાદિત્યસિંહજી તેમજ બાલાસિનોર નવાબ સુલતાન સલાઉદ્દીન ખાન બાબીનું પ્રભારી મંત્રી પી. સી. બરંડાના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન બાદ તેઓ પણ રાષ્ટ્રીય એકતા પર્વે આયોજિત આ એકતા દોડમાં ઉત્સાહભેર જોડાયા હતા.
‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંતર્ગત યોજાયેલી આ એકતા દોડ મહિલા પોલીસ ચોકી ખાતેથી શરૂ થઈ લુણાવાડા નગરના માર્ગો પરથી પસાર થઈ વાસિયા પોલીસ મથકે સંપન્ન થઈ હતી. આ દોડમાં પોલીસ જવાનો સાથે વિશાળ સંખ્યામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો મજબૂત સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
“રન ફોર યુનિટી” દ્વારા સમાજમાં રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને ભાઈચારાનો સંદેશ વધુ મજબૂત બનાવવાનો ઉમદા હેતુ સિદ્ધ થયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની ઉત્સાહપૂર્ણ ભાગીદારીથી વાતાવરણમાં દેશપ્રેમ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં પંચમહાલ રેન્જ ડી.આઈ.જી. વિધિ ચૌધરી, મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન, નગરપાલિકા પ્રમુખ કીર્તિભાઈ સહિતના પદાધિકારીઓ, વહીવટી અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ સ્ટાફ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









