રિપોર્ટર . કાદિર દાઢી.હાલોલ

તા.૩૧.૧૦.૨૦૨૬
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતેના પાંચમા એડિશનલ સેશન્સ જજશ્રી એસ.એમ. ક્રિષ્ટી સાહેબની અદાલતમાં ચાલી ગયેલા એક અત્યંત ચર્ચિત હત્યાના કેસમાં ન્યાયાલયે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપીને આરોપી ગપ્પુકુમાર મદન યાદવને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩(૧) તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ ના ગંભીર ગુનામાંથી શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ હાઇ-પ્રોફાઇલ કેસમાં આરોપી તરફથી જાણીતા એડવોકેટ સલમાન એમ. મકરાણી દ્વારા ખૂબ જ મજબૂત, તાર્કિક અને કાનૂની ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. ફરિયાદપક્ષના કેસ મુજબ, તારીખ ૧૬-૧૧-૨૦૨૫ ના રોજ રાત્રિના સુમારે હાલોલ જી.આઈ.ડી.સી. મસવાડ ખાતે આવેલી આયેશા એગ્રો ફેક્ટરીમાં કામ કરતા કામદારો વચ્ચે (ચોખા આપવા બાબતે) બોલાચાલી અને ઝઘડો થયેલો. જેમાં ઉશ્કેરાઈને આરોપીએ ચુલામાંથી સળગતા લાકડાના કટકા વડે મરણ જનાર સનોજ જવાહીર શાહના માથાના ભાગે ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવ્યાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. આ અંગે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે તપાસ અંતર્ગત ચાર્જશીટ રજૂ કર્યું હતું, જે કેસ ત્યારબાદ સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો હતો.ટ્રાયલ દરમિયાન ફરિયાદપક્ષ દ્વારા કુલ ૧૬ સાહેદો અને અનેક દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ એડવોકેટ સલમાન એમ. મકરાણી દ્વારા કરવામાં આવેલી પ્રભાવી દલીલોને પગલે કેસનું ચિત્ર બદલાઈ ગયું હતું:આ કેસમાં ફરિયાદપક્ષના મુખ્ય પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ તેમજ પંચનામાના સાહેદો અદાલતમાં ફરી ગયા (Hostile જાહેર થયા) હતા અને પોલીસ ફરિયાદને સમર્થન આપ્યું ન હતું. સાક્ષીઓએ જણાવ્યું હતું કે મરણજનાર દારૂ પીધેલી હાલતમાં હોય અને પથ્થર પર પડી જવાથી અકસ્માતે અવસાન પામેલ છે, જેને આરોપી સાથે કોઈ સંબંધ નથી. એફ.એસ.એલ. (FSL) ના રીપોર્ટમાં જપ્ત કરાયેલા લાકડાના કટકા પર લોહીના કોઈ નિશાન કે દાઘ મળી આવ્યા ન હતા. તદઉપરાંત, પોલીસ તપાસ અને પંચનામાની કાર્યવાહીમાં અનેક છટકબારીઓ અને વિસંગતતાઓ બહાર આવી હતી.નિશંકપણે સાબિત કરવામાં નિષ્ફળતા: અદાલતે નોંધેલ કે મેડિકલ ઓફિસરની જુબાની સિવાય ફરિયાદપક્ષના સાક્ષીઓ કે વૈજ્ઞાનિક પુરાવાઓ આરોપી વિરુદ્ધ ગુનો શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. માનનીય પાંચમા એડિશનલ સેશન્સ જજશ્રી એસ. એમ. ક્રિષ્ટી સાહેબનાઓએ તમામ દસ્તાવેજો, પુરાવાઓ અને બચાવપક્ષના એડવોકેટ સલમાન એમ. મકરાણીની ધારદાર દલીલોને ધ્યાને લઈને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૨૫૮(૧) હેઠળ આરોપી ગપ્પુકુમાર મદન યાદવને તમામ આરોપોમાંથી સન્માનભેર નિર્દોષ જાહેર કર્યા છે. તેમજ આરોપી જે સમયથી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો તેને તત્કાલીક જેલમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાથી એડવોકેટ સલમાન એમ. મકરાણીની કાનૂની કુશળતા અને ન્યાય અપાવવાની ક્ષમતાના કાનૂની જગતમાં પુનઃ ડંકા વાગી ગયા છે.










