ગાજરગોટા પ્રાથમિક શાળામાં શિક્ષક-શિક્ષિકાને અશ્રુભીની આંખો સાથે વિદાય,


વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
૨૬ વર્ષ ૮ મહિના અને ૩૭ વર્ષ ૧૦ મહિનાની શિક્ષણ સેવાને ગ્રામજનોએ યાદ કરી; વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા
ગાજરગોટા પ્રાથમિક શાળામાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક શિક્ષણ સેવા આપનાર આચાર્ય શૈલેષ સાહેબ તથા શિક્ષિકા મધુબેન રમેશભાઈના સન્માનમાં ભાવુક વાતાવરણ વચ્ચે વિદાય સમારંભ યોજાયો હતો. બંને શિક્ષક-શિક્ષિકાની લાંબી અને સેવાભાવી કામગીરીને યાદ કરી શાળા પરિવાર, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોએ તેમને ભાવભીની વિદાય આપી હતી.
આચાર્ય શૈલેષ સાહેબે ૨૬ વર્ષ અને ૮ મહિના સુધી ગાજરગોટા પ્રાથમિક શાળામાં સેવા આપી હતી. જ્યારે શિક્ષિકા મધુબેન રમેશભાઈએ ૩૭ વર્ષ અને ૧૦ મહિના સુધી વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કાર આપવાની જવાબદારી નિભાવી હતી.
વર્ષો દરમિયાન બંને શિક્ષકોએ અનેક વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરનારા અનેક વિદ્યાર્થીઓ આજે વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે. આ લાંબી સેવાયાત્રાને યાદ કરતાં સમારંભમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળા પરિવાર તથા ગ્રામજનો ભાવુક બન્યા હતા.
જૂની યાદો વાગોળતા વિદ્યાર્થીઓ ભાવુક
વિદાય સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના પ્રિય શિક્ષકો સાથે વિતાવેલી જૂની યાદો વાગોળી હતી. શિક્ષક-શિક્ષિકાની આંખોમાં પણ અશ્રુ જોવા મળ્યા હતા. વર્ષો સુધી જે શાળામાં શિક્ષણ અને સંસ્કાર આપ્યા ત્યાંથી વિદાય લેવાની ક્ષણ સમગ્ર વાતાવરણને ભાવુક બનાવી ગઈ હતી.
આ પ્રસંગે ગાજરગોટા ગામ ઉપરાંત આસપાસના અન્ય ગામોમાંથી પણ મોટી સંખ્યામાં વડીલો, ભાઈઓ, બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ બંને શિક્ષકોની સેવાઓને યાદ કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
ઉપસ્થિતોએ જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર પાઠ ભણાવતા નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરવાનું પવિત્ર કાર્ય કરે છે. શૈલેષ સાહેબ અને મધુબેન રમેશભાઈની વર્ષોની સેવા ગાજરગોટા પ્રાથમિક શાળા તેમજ ગ્રામજનો માટે હંમેશાં યાદગાર રહેશે.
સમારંભના અંતે શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા બંને શિક્ષક-શિક્ષિકાનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના આગામી જીવન માટે સુખ, સ્વાસ્થ્ય અને સફળતાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.









