
નવસારીના ગોલવાડ સ્ટેશન રોડ પર મદ્રેસા હાઈસ્કૂલની સામે આવેલી બેલેન્કોરા નામની કપડાની દુકાનમાં છ અજાણી મહિલાઓની ટોળકી દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાઈ છે.

પોલીસ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા. ૩૦ ઓક્ટોબરના રોજ મલસ્કે ૫ વાગ્યાના અરસામાં છ અજાણી મહિલાઓ દુકાન પાસે આવી હતી. જેમાં પાંચ મહિલાઓ આશરે ૪૫થી ૫૦ વર્ષની વયની અને એક યુવતી આશરે ૨૦ વર્ષની હોવાનું જણાવાયું છે. તમામ મહિલાઓએ શરીરે પંજાબી ડ્રેસ પહેર્યા હતા.
આ મહિલાઓ પૈકી એક યુવતીએ દુકાનમાં પ્રવેશ કરી ચાર્જ કાઉન્ટરનું ડ્રોઅર તોડી તેમાં મૂકેલી આશરે રૂ. ૧.૨૫ લાખની રોકડ રકમ ચોરી કરી લીધી હતી. ત્યારબાદ તમામ મહિલાઓ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.
આ બનાવ અંગે દુકાનના સંચાલક નરેશ રાજમલ કલાલ રહે. આશાનગર, પરમાર હોસ્પિટલ પાસે, નવસારી) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવ અંગે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૪(૨), ૩૩૧(૪) અને ૫૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ. ચૌહાણે હાથ છે.ગુનામાં સંડોવાયેલ મહિલાઓઓને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે.









