મહેસાણા જિલ્લામાં નવમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી
‘અમારી આંગણવાડી, અમારી જવાબદારી’ થીમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર 

મહેસાણા જિલ્લામાં નવમા ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણીને લઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી હર્ષિલ મીણાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોષણ માસ દરમિયાન જિલ્લામાં યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓ અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી હર્ષિલ મીણાએ આરોગ્ય, શિક્ષણ, પંચાયત-ગ્રામ વિકાસ, કૃષિ અને સહકાર સહિતના વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરી પોષણ અભિયાનને ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા સૂચના આપી હતી. કુપોષણ મુક્ત જિલ્લો બનાવવાના સંકલ્પ સાથે સમગ્ર જિલ્લામાં જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ વર્ષે ‘અમારી આંગણવાડી, અમારી જવાબદારી’ થીમ હેઠળ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ શપથ, સ્વચ્છતા અને સુશોભન અભિયાન સહિતની પ્રવૃત્તિઓ યોજાશે. બાળકોના સર્વાંગી વિકાસ માટે આહારમાં વિવિધતા અને પ્રોટીનયુક્ત ખોરાકના મહત્વ અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવશે.
મિલેટ્સ (જાડા ધાન્ય) તથા THRમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન અને વાનગી સ્પર્ધા યોજાશે. પોષણ અંગે પુરુષો અને પિતાઓની ભાગીદારી વધારવા માટે વિશેષ સત્રો પણ યોજાશે. સગર્ભા અને ધાત્રી માતાઓને ટેલિફોનિક પરામર્શ આપવા ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં મળતા તાજા ગરમ રાંધેલા ભોજનની ગુણવત્તા અંગે પણ ખાસ દેખરેખ રાખવામાં આવશે.
પોષણ માસના મધ્ય તબક્કામાં ગ્રામસભા અને પોષણ પંચાયતોનું આયોજન કરી પોષણ અંગે સામુદાયિક જવાબદારી વધારવામાં આવશે. આગામી **16 સપ્ટેમ્બરે ‘અન્નપ્રાશન દિવસ’**ની ઉજવણી દરમિયાન છ માસ પૂર્ણ કરનાર બાળકોને ઉપરી આહાર શરૂ કરાવવામાં આવશે. સાથે જ PMMVY યોજનાના પાત્ર લાભાર્થીઓની ઓળખ અને નોંધણીની કામગીરીને વેગ આપવામાં આવશે.
કિશોરીઓના આરોગ્ય અને એનીમિયા નિવારણ માટે ‘પોષણ ભી, પઢાઈ ભી’ જેવા વિષયો પર વકતૃત્વ તથા નિબંધ સ્પર્ધાઓ યોજી જનજાગૃતિ ફેલાવવામાં આવશે.
પોષણ માસના અંતિમ તબક્કામાં ‘પોષણ સંગમ’ અંતર્ગત SAM અને MAM કેટેગરીના અતિ નબળા બાળકોનું સ્ક્રીનિંગ, રેફરલ અને ફોલોઅપ કરવામાં આવશે. ગાંધી જયંતીના અવસરે ‘સ્વચ્છતા અને પોષણ’ની થીમ સાથે આંગણવાડી પરિસરમાં સફાઈ અભિયાન પણ હાથ ધરાશે.
સમગ્ર માસ દરમિયાન હાથ ધરાયેલી પ્રવૃત્તિઓનું ડિજિટલ વેરિફિકેશન ‘પોષણ ટ્રેકર’ એપ મારફતે કરવામાં આવશે. અભિયાનના સમાપન પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર, તેડાગર અને મુખ્ય સેવિકાનું સન્માન કરવામાં આવશે.
બેઠક દરમિયાન ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસર પી.ડી. નાયકે જિલ્લામાં પોષણ માસની ઉજવણી અંગે વિગતવાર માહિતી આપી હતી. બેઠકના અંતે ઉપસ્થિત અધિકારીઓએ પોષણ અંગેની શપથ લીધી હતી. બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










