અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – ઉન્ડવા બોર્ડર પર નંબર પ્લેટ વગરના વાહનોની અવરજવર સામે સવાલો ,ઉન્ડવા ચેકપોસ્ટ પર પોલીસની હાજરી છતાં શંકાસ્પદ વાહનોની તપાસ અંગે ઉઠતી ચર્ચા
મેઘરજ તાલુકો ગુજરાત-રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાથી તાલુકામાંથી રાજસ્થાન તરફ તેમજ રાજસ્થાનમાંથી ગુજરાત તરફ મોટી સંખ્યામાં રોજ વાહનોની અવરજવર થતી રહે છે. સરહદ પર વાહનોની તપાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉન્ડવા અને કાલીયાકુવા રાજસ્થાન બોર્ડર પર વર્ષોથી ચેકપોસ્ટ કાર્યરત છે.

ઉન્ડવા અને કાલીયાકુવા બોર્ડર પર મેઘરજ પોલીસ દ્વારા ચેક પોસ્ટો ઉભી કરવામાં આવી છે અને ૨૪ કલાક પોલીસ જવાનો ફરજ પર તૈનાત રહે છે. સરહદ પરથી પસાર થતાં વાહનોનું ચેકિંગ કર્યા બાદ તેમને આગળ જવા દેવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઉન્ડવા ચેકપોસ્ટ પરથી કેટલાક શંકાસ્પદ અને આરટીઓ નંબર પ્લેટ વગરના વાહનોની અવર-જવર અંગે સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી રહી છે. પોલીસ જવાનોની હાજરીમાં આવા વાહનો ગુજરાતમાંથી રાજસ્થાન તરફ તેમજ રાજસ્થાનમાંથી ગુજરાત તરફ અવર-જવર કરતા હોવાના આક્ષેપો વચ્ચે ચેકપોસ્ટ પર વાહનોનું યોગ્ય રીતે ચેકિંગ થાય છે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
સરહદી વિસ્તારમાંથી પસાર થતાં નંબર પ્લેટ વગરના તથા શંકાસ્પદ વાહનોની નિયમિત અને કડક તપાસ કરવામાં આવે તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવામાં મદદ મળી શકે તેમ છે. ત્યારે ઉન્ડવા ચેકપોસ્ટ પરથી પસાર થતાં શંકાસ્પદ વાહનોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તેમજ ચેકપોસ્ટ પરની કામગીરી અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.









