BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર

રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ

અમદાવાદ

મતદાર યાદીથી લઈને મતદાન અને મતગણતરી સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને કાયદાકીય જોગવાઈઓ આધારિત: જ્ઞાનેશ કુમાર

 

દેશની ચૂંટણી વ્યવસ્થાના સર્વોચ્ચ અધિકારી અને બુથ લેવલના અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ સુવર્ણ અવસર: મુખ્ય ચૂંટણી અધિકારી સંદીપ સાગળે

 

અમદાવાદ, તા. 11 સપ્ટેમ્બર, 2026: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હૉલ ખાતે યોજાયેલા ‘ઇન્ટરેકશન વિથ બુથ લેવલ ઓફિસર’ કાર્યક્રમમાં ગુજરાતના બુથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે ચૂંટણી પ્રક્રિયામાં BLOની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ભારતની ચૂંટણી પ્રક્રિયા બંધારણ, ચૂંટણી કાયદાઓ અને ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર હાથ ધરવામાં આવે છે અને આ સમગ્ર પ્રક્રિયાને જમીની સ્તરે મતદારો સુધી પહોંચાડવાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય BLO કરે છે.

 

જ્ઞાનેશ કુમારે BLOને ચૂંટણી પંચના પરિવારના સૌથી મહત્વપૂર્ણ સભ્યો ગણાવતાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ BLO મતદારના ઘરે જાય છે અથવા ફોન પર મતદાર સાથે વાત કરે છે, ત્યારે મતદાર માટે તે જ ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ હોય છે. ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર લોકતાંત્રિક દેશમાં કરોડો મતદારો સુધી પહોંચીને તેમની મતદાર યાદીમાં યોગ્ય નોંધણી, જરૂરી સુધારા તેમજ મતદાન માટેની જાગૃતિ સુનિશ્ચિત કરવામાં BLOની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.

 

તેમણે જણાવ્યું હતું કે દેશના આશરે 90 કરોડ મતદારોની અપેક્ષાઓ અને અધિકારો સાથે જોડાયેલી ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રીતે પાર પાડવા માટે દેશભરમાં 11 લાખથી વધુ BLO સતત કાર્યરત છે. ચૂંટણી પંચના વિશાળ પરિવાર સાથે સતત સંવાદ અને સંકલન જળવાઈ રહે તે માટે તાલીમ, બેઠકો તથા ECI-Net જેવા ડિજિટલ માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 

મુખ્ય ચૂંટણી કમિશનરે મતદાર યાદીની પારદર્શિતા અંગે જણાવ્યું હતું કે મતદાર યાદીની પ્રક્રિયામાં રાજકીય પક્ષો તથા તેમના બુથ લેવલ એજન્ટ્સની ભાગીદારીથી સતત ચકાસણી કરવામાં આવે છે. મતદાર યાદીમાં Absent, Shifted, Dead, Duplicate અને Foreigner (ASDDF) જેવા કિસ્સાઓની ઓળખ કરવા સાથે યોગ્ય અને પાત્ર મતદારોના નામ યાદીમાં યથાવત રહે તે સુનિશ્ચિત કરવાની કામગીરી પણ BLO દ્વારા કરવામાં આવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 18 વર્ષ પૂર્ણ કરનાર દરેક પાત્ર ભારતીય નાગરિકનું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ.

 

મતદાન પ્રક્રિયાની પારદર્શિતા અંગે જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે મતદાન શરૂ થાય તે પહેલાં મૉક પોલ દરમિયાન ઉમેદવારોના પોલિંગ એજન્ટ્સની હાજરીમાં EVM અને VVPATની ચકાસણી કરવામાં આવે છે. મતદાન પૂર્ણ થયા બાદ પણ ઉમેદવારોના એજન્ટ્સની હાજરીમાં EVM સંબંધિત જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે તથા જરૂરી દસ્તાવેજો પર સહી કરવામાં આવે છે.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મતગણતરી દરમિયાન પણ ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સની હાજરીમાં EVMમાં નોંધાયેલા મત અને ફોર્મ 17Cમાં દર્શાવાયેલા મતની ચકાસણી કરવામાં આવે છે. ભારતની ચૂંટણી પ્રક્રિયાના દરેક તબક્કે રાજકીય પક્ષો, ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓ દ્વારા સતત ચકાસણી કરવામાં આવે છે. આ વ્યવસ્થાને કારણે ભારતની ચૂંટણી પ્રક્રિયા વિશ્વની સૌથી પારદર્શક ચૂંટણી પ્રક્રિયાઓમાંની એક બની છે.

 

જ્ઞાનેશ કુમારે વિશેષ સઘન સુધારણા (SIR) પ્રક્રિયાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે મતદાર યાદીની શુદ્ધતા અને ચોકસાઈ જાળવવા માટે ચૂંટણી પંચ દ્વારા સમયાંતરે પુનરીક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન BLO દ્વારા ઘરે-ઘરે જઈને મતદારો સાથે સીધો સંપર્ક કરવામાં આવે છે અને જરૂરી વિગતોની ચકાસણી કરવામાં આવે છે. યોગ્ય દસ્તાવેજો, મેપિંગ અને સુનાવણી જેવી વિવિધ પ્રક્રિયાઓના આધારે મતદાર યાદીને વધુ ચોક્કસ અને વિશ્વસનીય બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

 

તેમણે BLOને મતદાર યાદીની શુદ્ધતા જાળવવા સતત સક્રિય રહેવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે પણ સમય મળે ત્યારે પોતાના વિસ્તારમાં મતદાર યાદીની ચકાસણી કરવી જોઈએ અને 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનોનું નામ મતદાર યાદીમાં ઉમેરાય તે માટે જરૂરી પ્રક્રિયા કરવામાં મદદરૂપ થવું જોઈએ. આ કામગીરીને તેમણે લોકશાહીની સૌથી મોટી સેવાઓ પૈકીની એક ગણાવી હતી.

 

મુખ્ય ચૂંટણી કમિશનરે તાજેતરની વિવિધ ચૂંટણીઓમાં નોંધાયેલા ઊંચા મતદાનના ઉદાહરણો આપતાં જણાવ્યું હતું કે મતદાર જાગૃતિ અને ચૂંટણી કર્મચારીઓની મહેનતથી લોકશાહી વધુ મજબૂત બને છે. તેમણે BLOની નિષ્ઠા, મહેનત અને નિષ્પક્ષતાને બિરદાવતાં જણાવ્યું હતું કે મતદાર યાદીમાં કોઈ ખામી રહે તો તેની જવાબદારી પરિવારના વડા તરીકે મારી છે, પરંતુ યાદી યોગ્ય અને શુદ્ધ બને છે તેનો શ્રેય આપણા BLO ભાઈઓ અને બહેનોને જાય છે.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતની લોકશાહી માત્ર તેના કદમાં જ નહીં, પરંતુ તેની ઊંડાઈ, વિવિધતા અને જીવંતતામાં પણ અનોખી છે. દેશના દરેક પાત્ર નાગરિકને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડવો અને તેને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સક્ષમ બનાવવો એ ચૂંટણી તંત્રની મહત્વપૂર્ણ જવાબદારી છે. આગામી ચૂંટણીઓમાં ગુજરાત વધુમાં વધુ મતદારોને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડીને દેશ માટે નવો દાખલો સ્થાપિત કરે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

 

જ્ઞાનેશ કુમારે ગુજરાતના BLOsની કામગીરીને અભિનંદન પાઠવી તેમના ઉત્સાહ અને મનોબળમાં વધારો કર્યો હતો. તેમણે ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા અને લોકશાહીની મજબૂતી માટે BLOની નિષ્ઠા, નિષ્પક્ષતા અને જવાબદારીપૂર્ણ કામગીરીને નિર્ણાયક ગણાવી હતી. કાર્યક્રમ દરમિયાન BLOs સાથે સીધો સંવાદ કરી તેમના અનુભવો અને કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

 

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંદીપ સાગળેએ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે દેશની ચૂંટણી વ્યવસ્થાના સર્વોચ્ચ અધિકારી અને બુથ લેવલના અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ થવો એ સુવર્ણ અવસર છે. તેમણે BLOs પ્રત્યે મુખ્ય ચૂંટણી કમિશનરના આત્મીય અભિગમની પ્રશંસા કરી હતી.

 

સંદીપ સાગળેએ જણાવ્યું હતું કે BLOs ચૂંટણી પંચ અને નાગરિકો વચ્ચેની મહત્વપૂર્ણ કડી તેમજ લોકશાહી ભાગીદારીના રાજદૂત છે. ટેક્નોલોજી આધારિત ચૂંટણી વ્યવસ્થા સાથે મેદાનમાં કાર્યરત BLOsના અનુભવો, પડકારો અને સૂચનોને મહત્વ આપવાથી ચૂંટણી પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને અસરકારક બની શકે છે.

 

કાર્યક્રમમાં ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા BLOs ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ગાંધીનગર કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રવિન્દ્ર ખતાલેએ આભારવિધિ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો