સાબરકાંઠામાં ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’ના આયોજન અને કામગીરીની સમીક્ષા માટે કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં વી.સી.ના માધ્યમથી બેઠક યોજાઈ

સાબરકાંઠામાં ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’ના આયોજન અને કામગીરીની સમીક્ષા માટે કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં વી.સી.ના માધ્યમથી બેઠક યોજાઈ

શાળા, ગ્રામ્ય તથા તાલુકા કક્ષાએ સુચારુ આયોજન અને મહત્તમ ખેલાડીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન – તા. ૨૨ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવવા કલેક્ટરશ્રીની અપીલ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવનાર છે. સાબરકાંઠા જિલ્લામાં ખેલ મહાકુંભનું સુચારુ આયોજન, વિવિધ કક્ષાએ થનારી સ્પર્ધાઓની કામગીરી તથા ખેલાડીઓના રજીસ્ટ્રેશનની સ્થિતિની સમીક્ષા કરવાના હેતુસર જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં વી.સી.ના માધ્યમથી અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત કરવામાં આવતી વિવિધ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. શાળા, ગ્રામ્ય, તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્પર્ધાઓનું સુચારુ આયોજન થાય, ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન અને જરૂરી સુવિધાઓ મળી રહે તેમજ વધુમાં વધુ ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૫:૦૦ કલાક સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે. જિલ્લાના કોઈપણ પાત્ર ખેલાડી રજીસ્ટ્રેશનથી વંચિત ન રહે તે માટે શાળા-કોલેજો તેમજ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ વ્યાપક પ્રયાસો કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.

ખેલ મહાકુંભમાં વિવિધ વયજૂથના ખેલાડીઓ માટે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૧ વર્ષથી નીચે, ૧૪ વર્ષથી નીચે, ૧૭ વર્ષથી નીચે, ઓપન એજ ગ્રુપ, ૪૦ વર્ષથી ઉપર તથા ૫૦ વર્ષથી ઉપરના ખેલાડીઓ માટે વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટિક્સ, સ્વિમિંગ, ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, યોગાસન, રસ્સાખેંચ સહિતની વિવિધ રમતોમાં ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે.

કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ‘ખેલ મહાકુંભ’ માત્ર રમત સ્પર્ધા નહીં પરંતુ બાળકો, યુવાનો અને નાગરિકોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધારવા તેમજ સ્થાનિક રમત પ્રતિભાઓને આગળ લાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. તેથી આયોજન સાથે સંકળાયેલા તમામ વિભાગો અને અધિકારીઓએ સંકલન સાથે કામગીરી કરી જિલ્લાની વધુમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવી જરૂરી છે.કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, યુવાનો, વાલીઓ તથા રમતપ્રેમીઓને તા. ૨૨ સપ્ટેમ્બર સુધીમાં વધુમાં વધુ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન કરાવી ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’માં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી હતી.

રજીસ્ટ્રેશન માટેની વિગતવાર માહિતી અને ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા khelmahakumbh.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ પી પટેલ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, રમતગમત વિભાગના અધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ વી. સી. ના માધ્યમથી જોડાયા હતા

જયંતિ પરમાર સાબરકાંઠા

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો