
હિંમતનગરની એસ.એસ. મહેતા આર્ટસ એન્ડ શ્રી એમ.એમ. પટેલ કોમર્સ કૉલેજમાં સીપીઆર તાલીમ અને હૃદય આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
અપોલો ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી વિદ્યાર્થીઓ અને સ્ટાફને હૃદય સંબંધિત કટોકટીમાં જીવન બચાવવાની પ્રાથમિક તાલીમ અપાઈ
હિંમતનગર: હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત એસ.એસ. મહેતા આર્ટસ એન્ડ શ્રી એમ.એમ. પટેલ કોમર્સ કૉલેજ ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય અંતર્ગત અપોલો ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી સીપીઆર તાલીમ અને હૃદય આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અપોલો ફાઉન્ડેશનના નિષ્ણાત તબીબો ડૉ. નીધિશ રાળોલિયા અને ડૉ. કૌશલ પરમાર દ્વારા વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફને હૃદય સંબંધિત કટોકટીની પરિસ્થિતિમાં સમયસર સીપીઆર આપીને વ્યક્તિનો જીવ બચાવવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તબીબોએ કટોકટીના સમયે તાત્કાલિક પગલાં લેવાનું મહત્વ સમજાવવાની સાથે સીપીઆર આપવાની યોગ્ય પદ્ધતિ અંગે પ્રાયોગિક તાલીમ પણ આપી હતી. સીપીઆર કેવી રીતે આપવું તે અંગે પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને જીવન બચાવવાની આ મહત્વપૂર્ણ પ્રક્રિયાની વ્યવહારુ સમજ મળી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હૃદયના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવવા ઉપરાંત કટોકટીની પરિસ્થિતિમાં ગભરાયા વિના સમયસર યોગ્ય પગલાં લેવા માટે વિદ્યાર્થીઓ અને સ્ટાફને સજ્જ કરવાનો હતો. સમયસર આપવામાં આવતી પ્રાથમિક સારવાર અને સીપીઆર અનેક વખત જીવન બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, ત્યારે આવા તાલીમ કાર્યક્રમો સમાજમાં આરોગ્ય જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ કાર્યક્રમમાં કૉલેજના આચાર્ય ડૉ. રાકેશ એન. જોશી તથા હિંમતનગર કેળવણી મંડળના મંત્રીશ્રી જીતુભાઈ પટેલ , નિષ્ણાત તબીબો,સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યાં હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા








