ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જૂનાગઢ વિભાગ દ્વારા ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન મુસાફરોની સુરક્ષા, નિયમોના પાલન અને સ્વચ્છતા જાળવવાના હેતુથી વિવિધ પ્રકારની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિભાગીય નિયામક શ્રી વી.બી. ડાંગરના જણાવ્યા મુજબ, મુસાફર પાસેથી રૂ. ૨૫ લઈ ટિકિટ નહીં આપનાર કુલ ૧ કંડક્ટર પકડવામા આવેલ તેની સામે નિગમના ધારાધોરણો મુજબ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, ટિકિટ લીધા વગર મુસાફરી કરતા કુલ ૨૫ મુસાફરો ઝડપાયા હતા. તેમની સામે સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરી કુલ રૂ. ૮,૦૫૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. વિભાગના કુલ ૯ ડેપો ખાતે ધુમ્રપાન કરનાર તેમજ બસ અને બસ સ્ટેશન પર પાન-માવો ખાઈને પિચકારી મારી ગંદકી ફેલાવનાર કુલ ૪૮૭ વ્યક્તિઓ સામે કેસ કરવામાં આવ્યા હતા. તેમની પાસેથી કુલ રૂ. ૭,૨૩૫નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિભાગના વિસ્તારમાં નો-પાર્કિંગ હેઠળ કાર્યવાહી હાથ ધરી કુલ ૨૫ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી કુલ રૂ. ૯૨,૯૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આમ, ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ પ્રકારના નિયમભંગ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને નિયમોનું પાલન કરવા, ટિકિટ મેળવીને જ મુસાફરી કરવા તેમજ બસ અને બસ સ્ટેશન પર સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. નિયમભંગ કરનારાઓ સામેની કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે તેમ વિભાગીય નિયામક શ્રી વી.બી. ડાંગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







