
જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં કાયદાકીય કાર્યવાહી સાથે અસરકારક સમાધાન: સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રનો સંવેદનશીલ અભિગમ
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની જિલ્લા કક્ષાની સમિતિની બેઠકમાં ૧૦૩ કેસોની સમીક્ષા; ૧૫ કેસોમાં તપાસ દરમિયાન અરજદારોને કબજો મળી જતાં પક્ષકારો વચ્ચે હકારાત્મક સમાધાન
હિંમતનગર, તા.૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬
ગુજરાત સરકાર દ્વારા જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં પીડિતોને ઝડપી ન્યાય અને અસરકારક રક્ષણ મળી રહે તે માટે અમલમાં મૂકવામાં આવેલા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં સંવેદનશીલ અને પ્રજાકેન્દ્રિત અભિગમ સાથે કામગીરી કરવામાં આવી રહી છે.
આ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ , નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા તથા સંબંધિત પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં કુલ ૧૦૩ કેસો સમીક્ષા માટે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૫ કેસોમાં તપાસ દરમિયાન અરજદારોને જમીનનો કબજો મળી જતાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાન થતાં હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય કેસોમાં કાયદાકીય જોગવાઈઓ અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ માસ દરમિયાન જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા કુલ ૩૧૧ કેસોમાં કાયદાકીય જોગવાઈ અનુસાર નિર્ણયો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૨ કેસોમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકારની નીતિ માત્ર ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાના કિસ્સાઓ સામે કડક કાર્યવાહી પૂરતી સીમિત ન રહેતા, વાસ્તવિક હકદારને ન્યાય મળે અને યોગ્ય કેસોમાં પક્ષકારો વચ્ચે સમાધાનની તક પણ મળી રહે તેવા સંતુલિત અભિગમને પ્રોત્સાહન આપે છે. સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાયદાની જોગવાઈઓનું પાલન કરી, અરજદારોની રજૂઆતોને સંવેદનશીલતાથી સાંભળી અને હકીકતના આધારે નિર્ણય લઈ “ન્યાય સાથે સંવેદનશીલ વહીવટ”ની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
આ પ્રકારની કાર્યવાહીથી જમીન સંબંધિત વિવાદોના ઝડપી અને કાયદેસર નિરાકરણ સાથે સામાન્ય નાગરિકોમાં વહીવટી તંત્ર પ્રત્યે વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની રહી છે.
જયંતિ પરમાર સાબરકાંઠા








