
તલોદમાં પોષણ ઉત્સવ અંતર્ગત ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા-૨૦૨૬’ યોજાઈ
ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરી પોષણ અંગે જાગૃતિ ફેલાવાઈ
સાબરકાંઠા જિલ્લામાં નવમા રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૬ અંતર્ગત ‘મારી આંગણવાડી, મારી જવાબદારી’ના સંકલ્પ સાથે તલોદ તાલુકામાં તાલુકા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા-૨૦૨૬’ યોજાઈ હતી. કાર્યક્રમમાં આહારમાં વિવિધતા, પૂરતું પ્રોટીન, તાજો અને ગરમ રાંધેલો ખોરાક, માતૃત્વ પોષણ તથા પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ અંગે લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં ટેક હોમ રાશન (THR) અને મિલેટ્સ (શ્રી અન્ન)માંથી પાતળી સુખડી, વડા, કેક, ઢોકળા, હાંડવો, થેપલા અને બાજરીની સુખડી સહિતની વિવિધ પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વિજેતા બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
કિશોરીઓ દ્વારા પૂર્ણાશક્તિ તથા ટેક હોમ રાશનના ઉપયોગથી થતા ફાયદા અંગે સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ‘પોષણ શપથ’ લઈને ‘સહી પોષણ, દેશ રોશન’ના સંકલ્પને સાકાર કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરપર્સનશ્રી નીરુબા ઝાલા, નગરપાલિકા પ્રમુખશ્રી રમીલાબેન ચાવડા, મામલતદારશ્રી શિલ્પાબેન જોશી, તાલુકા વિકાસ અધિકારીશ્રી જયદીપસિંહ ઝૂલા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી વિનોદભાઈ મુંગડ, સાયન્સ કોલેજના પ્રતિનિધિશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તથા બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા








