વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગાયના છાણમાંથી બનાવેલી ૨૬૨ શ્રી ગણેશજીની મૂર્તિઓનું વિતરણ; ૫૦૦થી વધુ ભાવિકો જોડાયા, આગામી વર્ષે ૧૧૦૦ મૂર્તિ વિતરણનો સંકલ્પ
વાંસદા તાલુકાના મહુવાસ ગામે આવેલા તોરણિયા ગઢ ડુંગર ધર્મ રક્ષા સમિતિ મંડળ દ્વારા નિર્મિત મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર, દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા ગણેશોત્સવ નિમિત્તે ભક્તિ અને ધર્મભાવનાથી ઓતપ્રોત ગણેશ મૂર્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સ્વયંભૂ જોડાઈ ગણપતિ બાપાના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે ગાયના છાણમાંથી બનાવેલી પર્યાવરણને અનુકૂળ ૨૬૨ શ્રી ગણેશજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધર્મ પ્રસાર દ્વારા ૨૧૧ અને સુરેશભાઈ અને મિત્રો દ્વારા ૫૧ મૂર્તિઓ સાથે ભાવિક ભક્તોને હનુમાન ચાલીસા તથા શ્રીરામ ભગવાનની તસવીરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા આ અનોખા પ્રયાસને ભાવિકોએ ઉત્સાહભેર આવકાર્યો હતો.
કાર્યક્રમમાં ૫૦૦થી વધુ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વીએસપી ધર્મ પ્રસારના ધર્મરક્ષક લાલજીભાઈ પવાર અને નિલેશભાઈ, તેમજ આર.એસ.એસ ના લીરીલભાઈ, વાંસદા તાલુકા જનજાતિ સમાજના પ્રમુખ સંજયભાઈ બિરારી, સરપંચ મહેશભાઈ સહિતના આગેવાનો દ્વારા આગામી વર્ષે વધુ વ્યાપક રીતે ગણેશ મૂર્તિ વિતરણ કરવાનો સંકલ્પ લઈ ૧૧૦૦ જેટલી મૂર્તિઓનું વિતરણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.
દક્ષિણ ગુજરાત પ્રાંતથી વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસારના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, લક્ષ્મીનારાયણભાઇ સુરતથી પધારેલ સુરેશભાઈ સહિત સાથી મિત્રો ,સ્થાનિક યુવાનો તથા હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ વિભાગના સહમંત્રી રવિભાઈ સૂર્યવંશીએ ઉપસ્થિત આગેવાનો અને ભાવિકોને સંબોધન કરી હિન્દુ ધર્મની રક્ષા અને ધાર્મિક સંસ્કારોના જતન માટે એકતાથી આગળ વધવા આહવાન કર્યું હતું તેમણે ગણપતિ સ્થાપનાથી લઈને વિસર્જન સુધીના સમગ્ર ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક સંગીત, ભજનો અને પવિત્ર વાતાવરણ સાથે ઉત્સવ ઉજવવા તથા ધાર્મિક ભાવનાને વધુ મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે મહુવાસ ગામના સરપંચ મહેશભાઈએ હિન્દુ ધર્મના આસ્થાનું પ્રતિક એવા મહુવાસ ગામે આવેલ તોરણીયા ગઢ મંદિર ખાતેથી સંકટહરણ ગણપતિ બાપાની મૂર્તિ વિતરણનો પવિત્ર કાર્યક્રમ યોજવા બદલ વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર સહિત તમામ આગેવાનો અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.









