વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રમતવીરો ગંદકી વચ્ચે રમવા મજબૂર, જયકિશન સ્ટેચ્યુ પાસે કચરો જોઈ સંગીતપ્રેમીઓમાં રોષ; 15 ઓગસ્ટના કાર્યક્રમનો કચરો પણ હજુ યથાવત્ હોવાનો આક્ષેપ
નવસારી જિલ્લામાં એક તરફ સ્વચ્છતા અભિયાનને લઈને તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ વાંસદા શહેરનું ઐતિહાસિક ગાંધી મેદાન કચરાથી ઉભરાઈ રહ્યું હોવાની સ્થિતિ સામે આવી છે. મેદાનમાં ઠેર-ઠેર પ્લાસ્ટિકની થેલીઓ, કાગળ, કપડાંના ટુકડા, ધાગા સહિતનો કચરો જોવા મળતાં સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ગાંધી મેદાન વાંસદા શહેરમાં રમતગમત તેમજ જાહેર પ્રવૃત્તિઓ માટેનું મહત્વનું સ્થળ છે. અહીં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને સ્થાનિક યુવાનો ક્રિકેટ સહિતની વિવિધ રમતો રમવા આવે છે. પરંતુ મેદાનમાં ફેલાયેલા કચરાને કારણે રમતવીરોને ગંદકી વચ્ચે રમવાની ફરજ પડી રહી છે. સવાર-સાંજ મેદાનમાં ફરવા આવતા બાળકો અને વડીલો પણ ગંદકીથી પરેશાન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
બે શાળાઓની વચ્ચે મેદાન, છતાં સફાઈ વ્યવસ્થા ક્યાં?
ગાંધી મેદાનની એક તરફ બુનિયાદી કુમાર શાળા અને બીજી તરફ પ્રતાપ હાઇસ્કૂલ આવેલી છે. બંને શાળાના વિદ્યાર્થીઓની અવરજવર અને રમતગમતની પ્રવૃત્તિઓ સાથે મેદાન સીધું જોડાયેલું છે. આવી સ્થિતિમાં મેદાનમાં લાંબા સમયથી કચરો પડેલો રહેતા વિદ્યાર્થીઓના આરોગ્ય અને સલામતીને લઈને પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.
સ્થાનિકોનું કહેવું છે કે જાહેર ઉપયોગના આવા સ્થળે નિયમિત સફાઈ થવી જોઈએ, પરંતુ હાલની સ્થિતિ તંત્રની સ્વચ્છતા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરે છે.
જયકિશનના સ્ટેચ્યુ પાસે પણ ગંદકીથી સંગીત પ્રેમીઓમાં રોષ
ગાંધી મેદાનમાં જાણીતા સંગીતકાર જયકિસાનનું સ્ટેચ્યુ સ્થાપિત કરવામાં આવ્યું છે. સંગીત અને કળાપ્રેમીઓ માટે આ સ્થળ મહત્વ ધરાવે છે. પરંતુ સ્ટેચ્યુની આસપાસ પણ કચરો જોવા મળતાં સંગીતપ્રેમીઓમાં અસંતોષ ફેલાયો છે.
સ્થાનિકોનો સવાલ છે કે મહાન સંગીતકારની સ્મૃતિ સાથે જોડાયેલા સ્થળની આસપાસ પણ જો સ્વચ્છતા જાળવી શકાતી ન હોય તો શહેરના સ્વચ્છતા અભિયાનની અસર ક્યાં સુધી પહોંચી છે?
હટવાડા બાદ કચરો મેદાન તરફ ફેંકાતો હોવાનો આક્ષેપ
સ્થાનિકોના જણાવ્યા મુજબ ગાંધી મેદાનને અડીને દર શુક્રવારે હટવાડો ભરાય છે. હટવાડો પૂર્ણ થયા બાદ કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે કચરો મેદાન તરફ ફેંકાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બહારથી આવતા દુકાનદારો અને ગ્રાહકો દ્વારા પ્લાસ્ટિકની થેલીઓ તથા અન્ય કચરો મેદાનમાં નાખવામાં આવતો હોવાની પણ ફરિયાદો ઉઠી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે હટવાડો પૂર્ણ થયા બાદ તાત્કાલિક સફાઈ કરાવી કચરો મેદાનમાં ન પહોંચે તે માટે જવાબદારી નક્કી કરવામાં આવે.
15 ઓગસ્ટના કાર્યક્રમ બાદનો કચરો પણ યથાવત્?
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે 15 ઓગસ્ટે ગાંધી મેદાનમાં જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ માટે ઊભા કરાયેલા મંડપમાંથી બચેલો કપડાનો કચરો, ધાગા તથા અન્ય સામગ્રી મેદાનના વિવિધ વિસ્તારોમાં છોડી દેવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ કાર્યક્રમને લગભગ એક મહિનો થવા આવ્યો હોવા છતાં આ કચરો સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો નથી. જેને લઈને સંબંધિત એજન્સીની કામગીરીની તપાસ કરી બેદરકારી બદલ જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે.
“મેદાન રમવા માટે કે કચરો નાખવા માટે?”
ગાંધી મેદાનમાં ઉભી થયેલી ગંદકી વચ્ચે હવે સ્થાનિકોમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે—“જાહેર મેદાન રમતગમત અને નાગરિકોના ઉપયોગ માટે છે કે કચરો ઠાલવવા માટે?”
સ્વચ્છતા અભિયાન વચ્ચે શહેરના મહત્વના જાહેર સ્થળની આવી સ્થિતિ તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે. સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે ગાંધી મેદાનની તાત્કાલિક સ્થળ તપાસ કરી સમગ્ર કચરો દૂર કરવામાં આવે, નિયમિત સફાઈની વ્યવસ્થા કરવામાં આવે અને ભવિષ્યમાં હટવાડા કે અન્ય કાર્યક્રમો બાદ કચરો મેદાનમાં ન રહે તે માટે કડક વ્યવસ્થા ગોઠવવામાં આવે.









