આણંદ મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરથી અડચણરૂપ દબાણો દૂર કરાયા: પ્રાપ્તિ સર્કલ અને આઝાદ મેદાન વિસ્તારમાં કાર્યવાહી


તાહિર મેમણ – આણંદ – 13/08/2026 – આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગોને દબાણમુક્ત અને વ્યવસ્થિત બનાવવાના ભાગરૂપે પ્રાપ્તિ સર્કલ પાસે જાહેર માર્ગ પર કરવામાં આવેલા અનધિકૃત દબાણો દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન માર્ગ પર વાહનવ્યવહાર અને પદયાત્રીઓને અડચણરૂપ બનતા અસ્થાયી માળખાં અને દબાણોને તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવ્યા હતા.
દબાણ હટાવો ઝુંબેશની સાથે સાથે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા બેઠક મંદિરથી લઈને આઝાદ મેદાન સુધીના સમગ્ર માર્ગ પર વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ વિસ્તારના તમામ દુકાનદારો તેમજ વેપારીઓને જાહેર માર્ગ કે ફૂટપાથ પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી અને નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
શહેરના પ્રજાજનો અને વાહનચાલકોને સરળ, સુગમ અને સુરક્ષિત માર્ગવ્યવસ્થા મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા આ સતત અને નિયમિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેર રસ્તાઓ પર થતા દબાણોના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યામાંથી નાગરિકોને રાહત અપાવવી એ પાલિકાની પ્રાથમિકતા છે.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ વેપારીઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ સ્વયંભૂ રીતે જાહેર માર્ગો પર દબાણ ન કરે અને શહેરને સ્વચ્છ, સુંદર તથા દબાણમુક્ત રાખવાના આ મહત્ત્વપૂર્ણ કાર્યમાં પાલિકા પ્રશાસનને સંપૂર્ણ સહયોગ આપે તેમ જણાવવામાં આવ્યું છે.










