અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : LCBએ બે ઘરફોડ ચોરી કરનાર ચોરને દબોચ્યો ,ઉજેડિયા પેટ્રોલપંપ પર ચોરી કરનાર અન્ય ચોરને ઝડપ્યો
અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વણઉકેલ્યા ગુન્હાઓનો ભેદ ઉકેલવા પોલીસે કમર કસી છે લોકલ ક્રાઈમ બ્રાંચે ભિલોડા નગરમાં બે ઘરફોડ ચોરી કરનાર રાજસ્થાની ચોરને મોડાસા જૂના બજારમાંથી ઝડપી લીધો હતો તેમજ તલોદના ઉજડિયા ગામ નજીક પેટ્રોલપંપની ઓફિસમાં રોકડ રકમની ચોરી કરનાર ઘરફોડિયાને મોડાસાના તત્ત્વ કોમ્પ્લેક્ષ નજીકથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ બે વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીની ઘટનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ભિલોડા નગરમાં બે ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર રાજસ્થાન ખેરવણ ગામનો સિકંદર રાકેશ ડામોર જૂના બજારમાં ચાંદીનો દાગીનો વેચાણ કરવા ફરતો હોવાની બાતમી મળતા તાબડતોડ જૂના બજારમાં પહોંચી સિકંદર ડામોરને ઝડપી લીધો હતો તેની પાસેથી ચોરી કરેલ 10 હજારનો ચાંદીનો જુડો મળી આવતા પોલીસે આગવી ઢબે પૂછતાછ કરતા એક વર્ષ અગાઉ તેના ગામના સોહમ પ્રકાશ ડામોર અને આશીષ બાબુ ભગોરા (ઉખેડી) અને આઝાદ ઉર્ફે અજય રૂપલાલ બરંડા (કણબઈ) સાથે મળી ભિલોડાની હરિવિલા સોસાયટીના એક મકાનમાંથી ઘરફોડ ચોરી કર્યા પછી વીસ દિવસ પછી ફરીથી ભિલોડાની ગોરફળી વિસ્તારમાં વધુ એક મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની તેમજ રિંટોડા અને ભટેળા ગામમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે સિકંદર ડામોરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના ઉજડિયા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પર એક વર્ષ અગાઉ ત્રાટકી ઓફિસની બારીના કાચ તોડી તિજોરીમાં રાખેલા રોકડ રકમની ચોરી કરનાર જીતેન્દ્ર લાલાભાઈ મોઘાભાઈ ડામોર (રહે,ધામોદ-રાજસ્થાન) મોડાસા જીલ્લા સેવાસદન કચેરી સામે આવેલા તત્ત્વ કોમ્પ્લેક્ષ આગળ ઉભો હોવાની બાતમી અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાંચ ટીમને મળતા તાબડતોડ ત્રાટકી જીતેન્દ્ર ડામોરને દબોચી લઈ પાંચ હજાર રૂપિયા રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અમદાવાદ કડિયાકામ કરી વાનમાં ઘરે પરત ફરતા સમયે જીતેન્દ્ર ડામોર અને તેના મિત્ર પપ્પુ રોતે મળી પેટ્રોલપંપ પર ચોરી કરવાનો પ્લાન બનાવી રાત્રિના સુમારે ઉજડિયા પેટ્રોલપંપ પર વાનમાંથી ઉતરી ગયા હતા અને તકનો લાભ લઈ ચોરી કરી હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી










