*જામનગરમાં મહાવીર નગરમાં ગટરના ઢાંકણામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર*

- *રણજીત સાગર રોડના મહાવીરનગરમાં અજાણી મહિલા શિશુને ત્યજી પલાયન થઈ ગયાની આશંકા : પોલીસ ઘટના સ્થળે દોડી, લોકોના ટોળાં એકઠાં*
જામનગર તા ૧૨, જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મહાવીરનગર વિસ્તારમાં ગટરના ઢાંકણામાંથી નવજાત શિશુ મૃત અવસ્થામાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો.
પ્રાથમિક વિગતો મુજબ, અજાણી મહિલાએ નવજાત શિશુને ત્યજી દીધા બાદ ત્યાંથી પલાયન કરી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગટરના ઢાંકણામાંથી શિશુનો મૃતદેહ મળી આવતાં આસપાસના લોકોના ટોળાં એકઠાં થઈ ગયા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવજાત શિશુને કોણે અને કયા સંજોગોમાં ત્યજી દીધું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ અન્ય વિગતોના આધારે અજાણી મહિલાની શોધખોળ હાથ ધરી છે.










