અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – રેલ્લાવાડા, ગેડ ગામમાં હડકાયા કૂતરાનો આતંક, 11લોકોને ભર્યા બચકાં – મોટાભાગે મોઢાના ભાગે હડકાયા કૂતરાનો હુમલો
મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હડકાયા કૂતરાનો આતંક જોવા મળ્યો છે. ગેડ અને રેલ્લાવાડા ગામમાં એક જ દિવસમાં હડકાયા કૂતરાએ આશરે 11 જેટલા લોકોને કરડ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે

કૂતરાના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં મોટાભાગનાને મોઢાના ભાગે કરડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.અચાનક બનેલી આ ઘટનાઓને પગલે ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. કૂતરાના હુમલાનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં 3થી 4 જેટલા ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે મોડાસા રિફર કરાયા હોવાની પ્રાથમિક માહિતી છે.એક જ દિવસમાં મોટી સંખ્યામાં લોકોને કૂતરાએ કરડતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. હડકાયા કૂતરાને ઝડપી પાડવા તેમજ અન્ય લોકોને તેના હુમલાથી બચાવવા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.









