
સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના આયોજન માટે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ

૩૦ ઓક્ટોબરે કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો કિસાન દિવસનો કાર્યક્રમ યોજાશે
૩૧ ઓક્ટોબરે હિંમતનગરમાં સરદાર પટેલના સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરી એકતા રેલી યોજાશે; પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે
સાબરકાંઠા જિલ્લામાં આગામી તા. ૩૦ ઓક્ટોબરે ‘કિસાન દિવસ’ અને તા. ૩૧ ઓક્ટોબરે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી સુચારુ અને સફળતાપૂર્વક થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બંને કાર્યક્રમોના આયોજન, વ્યવસ્થાઓ અને મહત્તમ લોકભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, તા. ૩૦ ઓક્ટોબરે યોજાનાર રાષ્ટ્રવ્યાપી કિસાન દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રીના હસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો જાહેર કરવામાં આવશે. દેશના ૯.૬૨ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૧૯,૨૪૦ કરોડની સહાયના આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સાબરકાંઠા જિલ્લામાં પણ કરવામાં આવશે. આ અંતર્ગત જિલ્લામાં જિલ્લા પંચાયતની પ્રત્યેક બેઠક દીઠ બે કાર્યક્રમો તેમજ એક મુખ્ય જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ હિંમતનગર નજીક કાંકણોલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે.
આ ઉપરાંત, તા. ૩૧ ઓક્ટોબરે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંતર્ગત ગ્રામ્ય, નગરપાલિકા અને જિલ્લાકક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ અંગે કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપતાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે દરેક ગામમાં એકતા રેલીનું આયોજન કરી મહત્તમ લોકભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે. સાથે જ સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવા સહિતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે.
રાષ્ટ્રીય એકતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે હિંમતનગરના બગીચા વિસ્તારમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરીને એકતા રેલીનો પ્રારંભ કરવામાં આવશે. આ રેલીનું સમાપન પોલીસ પરેડ ગ્રાઉન્ડ, હિંમતનગર ખાતે થશે. ત્યારબાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવશે.
બંને કાર્યક્રમો દરમિયાન વીજ પુરવઠો, પીવાનું પાણી, સ્થળ વ્યવસ્થા સહિતની જરૂરી આનુષંગિક સુવિધાઓ સમયસર ઉપલબ્ધ થાય તે માટે કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને તાકીદ કરી હતી. બંને કાર્યક્રમો નિર્વિઘ્ને અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાથે આગોતરું આયોજન કરી સક્રિય ભાગીદારી નોંધાવવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ. પી. પટેલ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે. પી. પાટીદાર સહિત તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા








